સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શૂટરોને આર્થિક મદદ કરનારા લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યની ધરપકડ

મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બન્ને શૂટરને આર્થિક મદદ કરનારા લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યને રાજસ્થાનથી પકડી પાડ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ આરોપી મોહમ્મદ રફીક ચૌધરી (37)ને રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો હતો. ચૌધરી પકડાતાં આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા પાંચ પર પહોંચી હતી, જેમાંથી એક આરોપી અનુજ થાપને પહેલી મેના રોજ ક્રાઈમ બ્રાન્ચના લૉકઅપમાં કથિત આત્મહત્યા કરી હતી.
બાન્દ્રા ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર બાઈકસવાર બે શૂટરે 14 એપ્રિલની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોળીબાર કર્યો હતો. બન્ને શૂટર સાગર પાલ અને વિકી ગુપ્તાને ગુજરાતના ભુજ ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા. શૂટરોની પૂછપરછમાં ચૌધરીનું નામ સામે આવ્યું હતું.
બિશ્ર્નોઈ ગૅન્ગનો સભ્ય ચૌધરી બન્ને શૂટરોના સંપર્કમાં હતો. ગુનામાં વપરાયેલી બાઈક ખરીદવા અને પનવેલમાં રૂમનું ભાડું ભરવામાં ચૌધરીએ આર્થિક મદદ કરી હતી. છેલ્લાં પાંચેક વર્ષથી બિશ્ર્નોઈ ગૅન્ગમાં યુવાનોની ભરતી કરવામાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
પોલીસ તપાસમાં જણાયું હતું કે ગોળીબાર પહેલાં ચૌધરીએ સલમાન ખાનના નિવાસસ્થાન ફરતેના પરિસરમાં પાંચ વખત રૅકી કરી હતી. તે પનવેલમાં બન્ને શૂટર પાલ અને ગુપ્તા સાથે રહ્યો પણ હતો. ચૌધરી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે પોલીસે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.