પચીસ લાખની ખંડણી અને એક કિલો સોનું: બિશ્ર્નોઈના સાગરીતે બિઝનેસમૅનને આપી ધમકી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પચીસ લાખની ખંડણી અને એક કિલો સોનું: બિશ્ર્નોઈના સાગરીતે બિઝનેસમૅનને આપી ધમકી

મુંબઈ: કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના સાગરીતે ગોરેગામના બિઝનેસમૅનને જાનથી મારવાની ધમકી આપી પચીસ લાખ રૂપિયા અને એક કિલો સોનાની ખંડણી માગી હતી. બિશ્ર્નોઈ ગૅન્ગ મુંબઈમાં પોતાનું જાળું ફેલાવી રહી હોવાની શક્યતાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.

લૉરેન્સ બિશ્ર્નોઈને નામે ખંડણી માટે ધમકી આપવામાં આવતાં બિઝનેસમૅને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે ગોરેગામ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.

આપણ વાંચો: ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના સાગરીત સહિત ત્રણ પકડાયા

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીને બુધવારે અજાણ્યા શખસે કૉલ કર્યો હતો. તેણે પોતાની ઓળખ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્ય તરીકે આપી હતી. કૉલ કરનારા શખસે ફરિયાદીની સુપારી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને પચીસ લાખ રૂપિયાની માગણી કરી હતી.

રૂપિયા અને એક કિલો સોનું ન આપે તો ફરિયાદી અને તેના પરિવારને જાનથી મારવાની ધમકી કૉલ કરનારા શખસે આપી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસ ધમકી આપનારા શખસની ઓળખ મેળવી શકી નથી. જોકે તેણે લૉરેન્સ બિશ્ર્નોઈનું નામ લીધું હોવાથી ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં લાગી છે.

આપણ વાંચો: સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: મુંબઈ પોલીસે અનમોલ બિશ્ર્નોઈના પ્રત્યર્પણની પ્રક્રિયા હાથ ધરી

ઉલ્લેખનીય છે કે ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ હાલમાં ગુજરાતની જેલમાં બંધ છે. બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા બોલિવૂડના સ્ટાર સલમાન ખાનને વારંવાર ધમકીઓ આપવામાં આવી છે. એક વાર તો સલમાનના બાન્દ્રાના નિવાસસ્થાન બહાર ગોળીબાર પણ કરાયો હતો. એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં લૉરેન્સનો ભાઈ અનમોલ બિશ્ર્નોઈ સૂત્રધાર હોવાનું પોલીસનું કહેવું છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button