કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ૨,૪૦૦ મેટ્રિક ટનના ‘બો સ્ટ્રિંગ ગર્ડર’નું મંગળવારે સવારે લોન્ચિંગ
રવિવારે સાંજે વરલી ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગર્ડર લાવવામાં આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા ૧૪મે, મંગળવાર વહેલી સવારના બાન્દ્ર-વરલી સી લિંકને મુંબઈ કોસ્ટલ રોડ સાથે જોડવા માટે બીજા ‘બો સ્ટ્રિંગ ગર્ડર’નું લોન્ચિંગ હાથ ધરવાની છે. રવિવારે સાંજે ૨,૪૦૦ મેટ્રિક ટન વજનનો ૧૪૩ મીટર લાંબો ગર્ડર વરલી ક્ધસ્ટ્રક્શન સાઈટ પર આવી પહોંચ્યો હતો.
દરિયામાં ભરતી અને ઓટને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં દક્ષિણ તરફ જતી લેન માટે પહેલા ‘બો આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’નું ૨૬ એપ્રિલ, ૨૦૨૪ના વહેલી સવારના ૩.૨૫ વાગે જોડાણ કરીને કોસ્ટલ રોડને બાન્દ્રા-વરલી સી લિંક સાથે સફળતાપૂર્વક જોડ્યો હતો. હવે ઉત્તર તરફ જતા એટલે પુલ માટેના બીજા ગર્ડરનું લોન્ચિંગ મંગળવાર ૧૪ મે,૨૦૨૪ના વહેલી સવારના પાલિકા હાથ ધરવાની છે.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના અધિકારી એમ.એમ. સ્વામીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારના બાન્દ્રા-વરલી સી લિંકને મુંબઈ કોસ્ટલ રોડ સાથે જોડવા માટે ૧૪૩ મીટર લાંબા અને ૨,૪૦૦ મેટ્રિક ટન વજનના ‘બો આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’નું કામ હાથ ધરાશે. બીજા ગર્ડરને સ્થાપિત કરવાનું કામ મે મહિનાના અંતમાં કરવાનું આયોજન હતું. પરંતુ અનુકૂળ આબોહવાને કારણે આ ગર્ડરને રવિવારે સાંજે અરબી સમુદ્રમાં લંગરાયેલા ૨૫,૦૦૦ મેટ્રિક ટનના બાર્જ પર નવી મુંબઈના ન્હાવા ગાંવથી વરલીમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર લાવવામાં આવ્યો હતો.
વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે બંને માર્ગોને જોડવાનું કામ સૌથી પડકારજનક છે. પહેલો ગર્ડર ભરતી-ઓટને ધ્યાનમાં રાખીને કર્યો હતો. ૧૪ મેના સવારના ૫.૩૦ વાગ્યાથી સાત વાગ્યા દરમિયાન કરવામાં આવશે. એક વખત કામ પૂરું થઈ ગયા બાદ દરિયામાંથી પસાર થનારો સૌથી લાંબો ‘આર્ચ બ્રિજ’ બની જશે.
કોસ્ટલ રોડ સાથે જોડાયેલા અન્ય અધિકારીના જણાવ્યા મુજબ ગર્ડર લોન્ચિંગનું કામ પત્યા બાદ આગામી દિવસોમાં હવે સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન અને વોટરપ્રૂફિંગના કામ ઝડપથી પૂરા કરવામાં આવશે. તેમ જ કોસ્ટલ રોડની ટનલમાં મોબાઈલ કનેકશન માટેનું કામ પણ ચાલી રહ્યું છે. આ અગાઉ વરલી અને મરીન ડ્રાઈવ વચ્ચે દક્ષિણ તરફના રસ્તાને માર્ચના ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રસ્તા પરના ટ્રાફિકનો સમય સવારના સાતથી ૧૧ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. ત્રણ મેથી અઠવાડિયાના સાતેય દિવસ કોસ્ટલ રોડને ૧૬ કલાક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જૂન અંત સુધીમાં આખો કોસ્ટલ રોડ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.