આપઘાતનો પ્રયાસ કરનારા લાતુર સુધરાઈના કમિશનરને ઍરએમ્બ્યુલન્સમાં મુંબઈ લવાયા…

લાતુર: માથામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરનારા લાતુર મહાનગરપાલિકાના કમિશનરને વધુ સારવાર માટે ઍરએમ્બ્યુલન્સથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે સવારે પાલિકા કમિશનર બાબાસાહેબ મનોહરેને શહેરની સહ્યાદ્રી હૉસ્પિટલથી ગ્રીન કોરિડોર કરી ઍરપોર્ટ લઈ જવાયા હતા. ત્યાંથી ઍરએમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પાલિકા કમિશનરે બાર્શી રોડ પરના તેમના નિવાસસ્થાને શનિવારની રાતે 11.30 વાગ્યે પિસ્તોલમાંથી પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. સારવાર માટે તેમને તાત્કાલિક સહ્યાદ્રી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. માથામાં જમણી બાજુથી ગોળી ઘૂસી હતી, જેને કારણે ઘણું લોહી વહી ગયું હતું, એમ સહ્યાદ્રી હૉસ્પિટલના ડૉ. હનુમંત કિણીકરે જણાવ્યું હતું.
ડૉક્ટરના કહેવા મુજબ મનોહરેની સ્થિતિ અત્યારે સ્થિર છે અને તે સારવારને સારો પ્રતિસાદ આપે છે. મનોહરેના પરિવારજનોના કહેવા અનુસાર શનિવારની રાતે મનોહરે હંમેશ મુજબ જમ્યા હતા અને ઘરમાં બધા સાથે વાતચીત પણ કરી હતી. મનોહરે પોતાની રૂમમાં ગયા પછી પિસ્તોલની ગોળી છૂટવાનો અવાજ આવ્યો હતો.
20 ઑક્ટોબર, 2022ના રોજ મનોહરેએ લાતુર મહાપાલિકાના કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. (પીટીઆઈ)
આપણ વાંચો :લાતુર પાલિકાના કમિશનરનો માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ…