આમચી મુંબઈ

આરટીઆઈ હેઠળ નવેસરથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧મી મે

મુંબઈની ૩૧૯ સ્કૂલમાં કુલ ૫,૬૭૦ જગ્યા ઉપલબ્ધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ એટલે કે ‘આરટીઆઈ’ હેઠળ ૨૫ ટકા અનામત બેઠક માટે સુધારીત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શુક્રવાર ૧૭ મે ૨૦૨૪થી શરૂ થઈ ગઈ છે. ‘આરટીઆઈ’ હેઠળ ઓનલાઈન પ્રવેશ માટેની છેલ્લી તારીખ શુક્રવાર, ૩૧ મે, ૨૦૨૪ની છે અને પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓને નવેસરથી અરજી કરવી ફરજિયાત હોવાનું પાલિકાએ કહ્યું હતું.

‘આરટીઆઈ’ અંતર્ગત નબળા, વંચિત, શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગને ૨૫ ટકા અનામત ક્વોટામાંથી વિદ્યાર્થીઓને ઘરથી એક કિલોમીટરની અંદરની ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ આપવામાં આવે છે. એ ઉપરાંત મુંબઈમાં ૩૧૯ પાત્ર શાળાઓમાંથી ૨૫ ટકા ‘આરટીઆઈ’ મફત પ્રવેશ માટે ૫,૬૭૦ બેઠકો ઉપલબ્ધ છે. આ પ્રવેશ માટે વાલીઓએ મહારાષ્ટ્ર સરકારની વેબસાઈટ https://student.maharashtra.gov.in/adm_portal મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ અગાઉ ૨૦૨૪-૨૫ માટે ‘આરટીઆઈ’ અંતર્ગત ૨૫ ટકા પ્રવેશ પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. પરંતુ હાઈ કોર્ટના આદેશ મુજબ પ્રક્રિયા પર સ્ટે મુકવામાં આવ્યો હતો. તેથી જેમણે અગાઉ ઓનલાઈન અરજી કરી હતી તે બાળકોના વાલીઓએ પ્રવેશ માટે નવેસરથી અરજી કરવાની ફરજિયાત રહેશે.

સુધારેલી પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજોની પૂર્તતા કર્યા બાદ ૧૭ મે, ૨૦૨૪થી બાળકોના પ્રવેશ માટે અરજી કરી શકાશે એવું પાલિકાના એજ્યુકેશન વિભાગે જણાવ્યું હતું. તેમ જ જે બાળકો ‘આરટીઆઈ’ અંતર્ગત પ્રવેશ લઈ ચૂક્યા છે, તેઓ ફરીથી અરજી કરશે તો તેમના ફોર્મ રદ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button