બૅન્ગકોકથી મોટા પ્રમાણમાં ગાંજાની તસ્કરી: 34.70 કરોડના ગાંજા સાથે સાતની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૅન્ગકોકથી હાઈડ્રોપોનિક ગાંજાની મોટા પ્રમાણમાં તસ્કરી કરવામાં આવી રહી હોવાનું કસ્ટમ્સના અધિકારીઓએ કરેલી કાર્યવાહી પરથી સામે આવ્યું હતું. છેલ્લા બે દિવસમાં બૅન્ગકોકથી આવેલા ગુજરાતના વાપીમાં રહેતા યુવાન સહિત સાત પ્રવાસીની ઍરપોર્ટ પર ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે 34.70 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. એક કેસમાં કસ્ટમ્સના અધિકારીઓએ 26.37 લાખ રૂપિયાનું વિદેશી ચલણ પણ હસ્તગત કર્યું હતું.
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોમવાર અને બુધવારની રાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કસ્ટમ્સ દ્વારા એનડીપીએસ ઍક્ટ હેઠળ છ કેસ નોંધી સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ બુધવારની રાતે બે કેસમાં વાપીના સરવૈયા નગર ખાતે રહેતા મોહમ્મદ અકીબ ખાન (24) અને મીરા રોડના નયા નગર ખાતે રહેતા સિદ્દીક અબ્દુલ રશીદ ખોરાજિયા (31)ની ધરપકડ કરવામાં આવી હતી. બૅન્ગકોકથી આવેલા બન્ને પ્રવાસીની ટ્રૉલી બૅગમાંથી 20 કરોડ રૂપિયાનો ગાંજો મળી આવ્યો હતો.
દરમિયાન એ જ રાતે બૅન્ગકોક જઈ રહેલા એક પ્રવાસીને ઍરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. તેની પાસેથી 26.37 લાખ રૂપિયાનું વિદેશી ચલણ મળી આવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારની રાતે ચાર કેસમાં પાંચ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચેય પ્રવાસી બૅન્ગકોકથી આવ્યા હતા અને તેમના સામાનમાંથી ગાંજો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી અંદાજે 14.70 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…બેંગકોકથી આવેલો પ્રવાસી મુંબઈ એરપોર્ટ પર 14.5 કરોડના ગાંજા સાથે પકડાયો