ભિવંડીમાં ગોદામમાંથી 23.4 લાખના લેપટોપ ચોરનારા પકડાયા

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં આવેલા ગોદામમાંથી 23.4 લાખ રૂપિયાના લેપટોપ ચોરનારા બે આરોપીને કર્ણાટકથી પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ દિલીપ બસવરાજ ચવાણ (20) અને અર્જુન મુન્ને રાઠોડ (23) તરીકે થઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ભિવંડીના નારપોલી વિસ્તારમાં 7 માર્ચે ચોરીની ઘટના બની હતી. આરોપીઓ ગોદામનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને 23.4 લાખ રૂપિયાના 26 લેપટોપ ચોરી પલાયન થયા હતા, એમ સિનિયર ઇન્સ્પેક્ટર જનાર્દન સોનાવણેએ કહ્યું હતું.
આ પણ વાંચો: બાન્દ્રાની ઑફિસમાંથી 1.90 કરોડના હીરાજડિત દાગીના ચોરનારા પકડાયા
આ ઘટના બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. દરમિયાન ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે પોલીસે કર્ણાટકના યાદગીરથી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરાયેલા લેપટોપ તથા ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ જપ્ત કરી હતી. (પીટીઆઇ)