મુંબઈનો વરસાદ લેમ્બોર્ગિની માટે ‘આફત’ બન્યોઃ હાઇસ્પીડ કાર અકસ્માતનો વીડિયો વાયરલ

મુંબઈઃ આજકાલ લોકોને હાઈસ્પીડનું ઘેલું જબરું લાગતું હોય છે, અને એમાંય પણ લેમ્બોર્ગિની જેવી કાર હોય તો પૂછવું જ શું. ત્યારે મુંબઈના રસ્તા પરથી આ લક્ઝરી કારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકોના હોંશ ઉડી ગયા હતા. વીડિયોમાં લેમ્બોર્ગિની કારનો અકસ્માત થયેલો જોવા મળે છે. જોકે, સદનસીબે ડ્રાઈવર બચી ગયો છે.
ગઈકાલે સવારે મુંબઈ કોસ્ટલ રોડ પરથી ઝડપથી આવતી લેમ્બોર્ગિની કારના ડ્રાઈવરે ભીના રસ્તા પર અચાનક કાબૂ ગુમાવતા કાર સ્લીપ થઇ ગઈ હતી અને અકસ્માત થયો હતો. આ અકસ્માત માટે વરસાદને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. શનિવાર અને રવિવારની રાત્રે મુંબઈમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તા ભીના થઈ ગયા હતા. લેમ્બોર્ગિનીએ અચાનક કાબૂ ગુમાવ્યો અને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ, અને ત્યારબાદ કાર એ જ જગ્યાએ ગોળ ગોળ ફરવા લાગી.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે યુઝર્સ રોડ સેફ્ટી મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા તેમ જ કારના ડ્રાઇવરની ઓળખ 52 વર્ષીય આતિશ શાહ તરીકે થઈ છે.
કારના આગળના ભાગને નુકસાન થયું હતું
લેમ્બોર્ગિનીને લક્ઝરી કાર ગણવામાં આવે છે, જેની કિંમત 4 થી 5 કરોડ રૂપિયાની વચ્ચે છે. અકસ્માતમાં કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. કારને ખેંચીને રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી. વર્લી પોલીસે સ્થાનિક આરટીઓ ઓફિસને કારનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે કે તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે નહીં.
યુઝર્સે પ્રતિક્રિયા આપી
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા જ યુઝર્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, “આ અકસ્માતમાં ડ્રાઇવરનો વાંક છે તે સ્પષ્ટ છે. રસ્તો ભીનો હોવા છતાં તે આટલી ઝડપથી કાર ચલાવી રહ્યો હતો.” બીજા એક યુઝરે લખ્યું, “ભીના રસ્તાઓ માટે આ ખરાબ ટાયર છે. ડ્રાઈવરે ટાયર, હવાનું દબાણ, ગતિ અને વજનનું ભૌતિકશાસ્ત્ર સમજવામાં ભૂલ કરી.”