લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન: હવે આ સમયે વિસર્જન થશે, જૂની બોટ પાછી લાવવામાં આવી…

મુંબઈઃ મુંબઈના લાડકા બાપ્પા લાલબાગચા રાજાના વિસર્જનમાં વિઘ્ન આવી રહ્યું છે. નવી ટ્રોલીને કારણે બાપ્પાના વિસર્જનમાં વિલંબ થઈ રહ્યો છે. હવે મળી રહેલી માહિતી અનુસાર લાલબાગચા રાજાનું વિસર્જન આજે સાંજે પાંચ-છ વાગ્યા સુધી થઈ શકે છે. આ માટે બાપ્પાની જૂની ટ્રોલી પણ પાછી મંગાવવામાં આવી છે, પરંતુ બાપ્પાને એ ટ્રોલી પર મૂર્તિ ચઢાવવામાં મુશ્કેલી પડી રહી છે એવી માહિતી સામે આવી રહી છે.
લાલબાગચા રાજાની શોભાયાત્રાને લાલબાગથી ગિરગાંવ ચોપાટી સુધીનું આઠ કિલોમીટરનું અંતર કાપવા માટે આશરે 20 કલાકથી પણ વધુનો સમય લાગે છે. એમાં પણ આજે તો બાપ્પાના વિસર્જનમાં નવું જ વિઘ્ન આવી રહ્યું છે. નવી ટ્રોલી પર આ વખતે બાપ્પાનું વિસર્જન થવાનું હતું પરંતુ આ ટ્રોલી જ વિસર્જનમાં વિઘ્નરૂપ બની છે.
મળતી માહિતી મુજબ બાપ્પાના વિસર્જન માટે કાર્યકર્તાઓ દ્વારા જૂની ટ્રોલી મંગાવવામાં આવી છે, પરંતુ સમુદ્રમાં આવેલી ભરતીને કારણે અને નવી ટ્રોલી બાપ્પાની મૂર્તિના વજનથી પાણીમાં નીચે ધસી ગઈ હોવાને કારણે આ જૂની ટ્રોલી પરથી બાપ્પાને ખસેડવામાં મંડળના કાર્યકર્તાઓને મુશ્કેલી પડી રહી છે. જેને કારણે હવે ભરતી ઓછી થાય એની રાહ જોવામાં આવી રહી છે. સાંજે પાંચથી છ વાગ્યા સુધીમાં લાલબાગચા રાજાનું વિસર્જન થાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વાત કરીએ બાપ્પાની નવી ટ્રોલીની તો અનેક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ટ્રોલી ખાસ ગુજરાતથી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાવડાવામાં આવી છે, પરંતુ આ બાબતે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી નથી. આ નવી ટ્રોલી મોટરાઈઝ્ડ છે અને 360 ડિગ્રી ફરવાની ક્ષમતાવાળી છે. સ્પ્રિંકલર્સને કારણે લાલબાગચા રાજાનું વિસર્જન ખૂબ જ ખાસ બનવાનું હતું, પરંતુ ટેક્નિકલ સમસ્યાઓને કારણે બાપ્પાનું વિસર્જન કરવામાં આવશે.
વિસર્જનમાં આવેલા વિઘ્નને કારણે ગણેશભક્તોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંડળના કાર્યકર્તાઓ અને પ્રશાસન દ્વારા આ સમસ્યાનું જેમ બને તેમ જલદી નિવારણ લાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.
આપણ વાંચો: વિઘ્નહર્તાના વિસર્જનમાં વિધ્નઃ આ કારણે હજુ નથી થયું લાલબાગચા રાજાનું વિર્સજન