આમચી મુંબઈમહારાષ્ટ્ર

સેન્ટ્રલ રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી

મુંબઈ: મુલુંડ પૂર્વમાં ફ્લૅટ અપાવવાને બહાને સેન્ટ્રલ રેલવે (સીઆર)ના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટ સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

સેન્ટ્રલ રેલવેમાંથી 2017માં સિનિયર ટેક્નિશિયન તરીકે નિવૃત્ત થયેલા પ્રદીપ રાણેએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે નવઘર પોલીસે આરોપી શ્રીકૃષ્ણ સાવંત અને સલિમ અબ્બાસ ખાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે મુલુંડમાં રહેતી રાણેની મોટી પુત્રી 2020માં બીમાર પડતાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તે સમયે ભાયંદરમાં પત્ની સાથે રહેતા રાણેએ પુત્રીને મદદરૂપ થવાને ઇરાદે મુલુંડમાં રહેઠાણ બદલાનું નક્કી કર્યું હતું. આ અંગે 66 વર્ષીય રાણેએ મુલુંડમાં રહેતા પિતરાઈ શ્રીકૃષ્ણ સાવંત સાથે ચર્ચા કરી હતી. સાવંતે તેમની ઓળખાણ રિયલ એસ્ટેટ એજન્ટ ખાન સાથે કરાવી હતી.

બન્ને જણે રાણેને અનેક ફ્લૅટ દેખાડ્યા હતા, જેમાંથી મુલુંડ પૂર્વના ગવ્હાણપાડા ખાતેનો ફ્લૅટ રાણેને પસંદ પડ્યો હતો. 2019માં ફ્લૅટ 51.52 લાખ રૂપિયામાં ખરીદવાનું નક્કી કરી ડિસેમ્બર, 2019થી માર્ચ, 2022 દરમિયાન રાણેએ 47 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. રૂપિયા લીધા પછી સાવંતે ફ્લૅટની ચાવી હતી, જે સંબંધિત ફ્લૅટની ન હોવાનું જણાયું હતું.

ફ્લૅટની ઑરિજિનલ ચાવી 15 દિવસમાં આપવાની ખાતરી આરોપીઓએ આપી હતી. જોકે બાદમાં રાણેએ તેમને આપવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું. પોતે છેતરાયા હોવાની જાણ થતાં રાણેએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button