13 વર્ષે Actress Laila Khanને ન્યાય મળ્યો, કોર્ટે સાવકા પિતાને દોષી ઠેરવ્યો

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈની એક કોર્ટે 2011માં એક્ટ્રેસ લૈલા ખાન, તેની માતા અને તેના ચાર ભાઈ- બહેનના હત્યાના કેસમાં ચૂકાદો આપતા પરવેઝ ટાકને દોષી ઠેરવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લૈલા ખાન એ પરવેઝ ટાંકની સાવકી દીકરી હતી. જોકે, પરવેઝ પુરાવાઓનો નાશ કરવાના આરોપ હેઠળ પણ દોષી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની કેટલી અને શું સજા મળશે એ મામલે ચાર દિવસ બાદ એટલે કે 14મી મેના સુનાવણી કરવામાં આવશે. સુનાવણી બાદ સજાનું એલાન કરવામાં આવશે.
પરવેઝ ટાંકની ધરપકડ જમ્મુ-કાશ્મીર પોલીસે કરી હતી. અહીંયા તમારી જાણ માટે કે લૈલા ખાન એ બોલીવૂડની એક સમયની જાણીતી અભિનેત્રી હતી અને ઘરમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. લૈલાએ રાજેશ ખન્ના સાથે પણ એક ફિલ્મમાં કામ કર્યું હતું. 13 વર્ષ બાદ લૈલા ખાનના પરિવારજનોને ન્યાય મળ્યો છે.
સાવકી દીકરીની હત્યારો દોષી પરવેઝ ટાંક લૈલાની માતા સેલિનાનો ત્રીજો પતિ હતો. એક્ટ્રેસ લૈલા, સેલિના અને લૈલાના ચાર ભાઈ-બહેનની ફેબ્રુઆરી, 2011માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ઈગતપુરી ખાતે આવેલા એના બંગલામાં હત્યા કરવામાં આવી હતી.
વિરોધી પક્ષના દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી પ્રોપર્ટી મુદ્દે થયેલાં વિવાગ બાદ પરવેઝે પહેલાં સેલિના, ત્યાર બાદ લૈલા તેમ જ તેના ચારેય ભાઈબહેનની હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટના થોડા મહિના બાદ એ સમયે પ્રકાશમાં આવી જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે પરવેઝની ધરપકડ કરી હતી. બંગલામાંથી સડી ગયેલી અવસ્થામાં મૃતદેહો મળી આવ્યા હતા. વિરોધી પક્ષના વકીલે પરવેઝ વિરુદ્ધ 40 સાક્ષીઓની જુબાની પણ કોર્ટમાં રજૂ કરી હતી.
લૈલાની વાત કરીએ તો 1978માં રેશમા પટેલ એટલે લૈલા ખાનનો જન્મ થયો હતો અને 2002માં તેણે કન્નડ ફિલ્મ મેકઅપથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. 2008માં લૈલાએ વફા એ ડેડલી લવસ્ટોરીમાં રાજેશ ખન્ના સાથે કામ કર્યું હતું, પણ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. 2011માં લૈલાના સાવકા પિતાએ જ તેની માતા સાથે ચાર ભાઈ-બહેનની હત્યા કરી દીધી હતી.
આ મામલે લૈલાની માતા સેલિનાના પહેલાં પતિ નાદિર શાહ પટેલે ફરિયાદ કરી હતી ત્યાર બાદ પોલીસે તપાસ કરીને પરવેઝ ટાંકની ધરપકડ કરી હતી એ સમયે આ હત્યાકાંડ પરથી પડદો ઉઠ્યો હતો.