2289 મહિલા સરકારી કર્મચારીઓ અપાત્ર હોવા છતાં લાડકી બહેન યોજનાનો લાભ લઈ રહી હતી.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની લોકપ્રિય લાડકી બહેન યોજનાનો લાભ 2,289 મહિલા સરકારી કર્મચારીઓ દ્વારા અપાત્ર હોવા છતાં લેવામાં આવ્યો હતો, એમ સરકાર દ્વારા ગુરુવારે રાજ્ય વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું.
આ મહિલાઓના નામ લાભાર્થીઓની યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે એવી માહિતી રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ ખાતાના પ્રધાન અદિતી તટકરે દ્વારા વિધાનસભામાં લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
રાજ્ય સરકારની આ યોજનામાં સરકારી કર્મચારીઓ લાભ મેળવવાને પાત્ર નથી.
આ પણ વાંચો: લાડકી બહેન યોજના: બાવનકુળેએ ગેરકાયદે ભંડોળના ડાયવર્ઝનના આરોપો નકાર્યા
તટકરેએ એવી પણ માહિતી આપી હતી કે આ યોજના માટે સામાન્ય શ્રેણીમાં 28,290 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તેમ જ આદિવાસી કલ્યાણ ખાતામાંથી 3,240 કરોડ રૂપિયા અને સામાજિક ન્યાય અને વિશેષ સહાય ખાતામાંથી 3,960 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરકાર લાભાર્થીઓને લાડકી બહેન યોજનાના હપ્તા સામે બેંકમાંથી લોન લઈને નાનો વ્યવસાય ચાલુ કરવાની પરવાનગી આપવા વિચારી રહી છે.