કુર્નુલ આગની ઘટના: સ્લીપર બસના પ્રવાસીઓ માટે જનજાગૃતિ ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંધ્ર પ્રદેશના કુર્નૂલ જિલ્લામાં તાજેતરમાં સ્લીપર બસમાં લાગેલી આગની દુર્ઘટનામાં ૨૦ પ્રવાસીઓના કમનસીબે મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટના બાદ પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચાએ આવ્યો છે ત્યારે આવી દુર્ઘટના ટાળવા માટે અને આવી હોનારત દરમ્યાન યોગ્ય પ્રતિસાદ મળી રહે તે માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન દ્વારા સ્લીપર બસમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને સુરક્ષાને લગતું માર્ગદર્શન આપવા માટે ઝુંબેશ હાથ ધરી છે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટના ઓથોરિટીના જણાવવા મુજબ સ્લીપર બસમાં પ્રવાસીઓએ પોતાની અને અન્ય પ્રવાસીઓની સુરક્ષતા સુનિશ્ર્ચિત કરવા માટે અમુક ઉપાય અને નિયમોનું પાલન કરવાનું આવશ્યક રહેશે. નિષ્ણાતોના મતે આગ લાગે અથવા એક્સિડન્ટ થાય ત્યારે બસમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે અમુક નિશ્ર્ચિત માર્ગ હોય છે પણ તેની માહિતી ન હોવાથી અનેક વખતે જીવહાની થતી હોય છે.
આપણ વાંચો: ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીથી આગની દુર્ઘટના ટળી…
પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસ શરૂ થવા પહેલા ડ્રાઈવર અને કંડકટરે પ્રવાસીઓને ઈમરજન્સી એક્ઝિટની માહિતી આપવી જોઈએ. બસનો મુખ્ય દરવાજો હંમેશા ખુલ્લો અને તેની સામે કોઈ વસ્તુ રાખવી નહી.
બસમાં ઈમરજન્સી એક્ઝિટના માર્ગ પણ કોઈ સામાન રાખવું નહીં. બસની છત પર સામાન્ય રીતે બેથી ત્રણ એક્સકેપ હૅચ હોય છે. આગની દુર્ઘટના દરમ્યાન તેનો ઉપયોગ કરવો જોઈએ.
સુરક્ષા હથોડી દરેક એરકંડિશન બસમાં બારી પાસે હોય છે, તેનાથી કાચને ફોડીને બહાર નીકળી શકાય છે. આગ લાગે ત્યારે બસમાં રહેલા પ્રવાસીઓએ બહાર નીકળવાના તમામ માર્ગ તરત ઓળખીને તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો. કપડાને આગ લાગી હોય તો પાણી અથ્ાવા ચાદર નાખી બુઝાવી દેવી. રાતના સમયે પ્રવાસ કરતા સમયે વધુ સતર્ક રહેવું. ઈમરજન્સી માટે ૧૦૦ અથવા ૧૦૮ નંબર પર મદદ માગવી જોઈએ.



