વિદ્યાવિહાર અને કુર્લામાં ભીષણ આગ:વિદ્યાવિહારમાં બે મહિલા સહિત સગીરોને બચાવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરના કુર્લા અને વિદ્યાવિહારમાં આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું, જેમાં વિદ્યાવિહારમાં રહેણાંક ઈમારતમાં લાગેલી આગમાં ત્રણ મહિલા સહિત બે સગીરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આગનો બીજો બનાવ કુર્લામાં ગેસ પાઈપ લાઈનમાં થયેલા ગળતરને કારણે બન્યો હતો. જેમાં આગમાં ચારથી પાંચ દુકાનોને નુકસાન થયું હતું.
મુંબઈ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ વિદ્યાવિહાર પશ્ર્ચિમમાં પીટર પરેરા રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ સાત માળની કોહિનૂર સિટી બિલ્ડિંગમાં બન્યો હતો. બિલ્ડિંગના સાતમા માળે બે એકબીજા સાથે જોડાયેલા ફ્લેટ નંબર ૦૨૭૧ અને ૦૨૭૨માં સાંજે ૪.૫૦ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. લગભગ ૩,૦૦૦ ચોરસ ફૂટમાં આ ફ્લેટ આવેલો છે. આગ ઈલેક્ટ્રિક વાયરિંગ અને ઈન્સ્ટોલેશન, લાકડાના ફર્નિચર, દરવાજા, બારી સહિત ઘરના સામાન, એસી યુનિટ વગેરેમાં લાગી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ સાતમા માળા પર ત્રણ મહિલા અને બે સગીર ફસાઈ ગયા હતા, તેમને ફેલટમાંથી સીડી દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ અન્ય માળા સુધી ફેલાઈ નહીં તે માટે સાવચેતી રાખવામાં આવી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. સાંજે ૬.૨૨ વાગ્યા સુધીમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે મોડે સુધી કુલિંગ ઓપરેશન ચાલ્યું હતું. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના આઠ ફાયર એન્જિન સહિત ફાયર ફાઈટિંગ વાહનો પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગનો બીજો બનાવ કુર્લામાં બન્યો હતો. કુર્લા પશ્ર્ચિમમાં વિનોબા ભાવે નગરમાં એલઆઈજી કોલોનીમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની મુબારક બિલ્િંડગ આવેલી છે. બિલ્ડિંગમાં નીચે રહેલી મહાનગર ગેસ પાઈપલાઈનમાં બપોરના ૧.૨૦ વાગે લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ચાર ફાયર એન્જિન અને અન્ય વાહનો સહિત મહાનગર ગેસ લિમિટેડના કર્મચારી પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ બીએમસીની ગટર લાઈનના સમારકામ દરમ્યાન પાઈપલાઈનમાં આકસ્મિક રીતે નુકસાન થયું હતું અને તેને કારણે ગેસમાં ગળતર થયું હતું અને બાદમાં આગ ફાટી નીકળી હતી. આગમાં નજીકની રસ્તા પરની બાજુમાં રહેલી દુકાનમાં આગ લાગી હતી. દુકાનદારો તરત દુકાનમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.ભારે જહેમત બાદ સાંજના આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું પણ ચારથી પાંચ દુકાનોને અસર થઈ હતી. સાવચેતીના પગલારૂપે બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી હતી. દોઢેક કલાકમાં આગ પર બુઝાવી દેવામાં સફળતા મળી હતી.



