મીઠી નદીમાં ધકેલી યુવાનની હત્યા: પાંચ મહિને ભેદ ઉકેલાતાં આરોપીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાંથી પાંચ મહિના અગાઉ ગુમ થયેલા યુવાનની મીઠી નદીમાં ધકેલી કથિત હત્યા કરવામાં આવી હોવાની આંચકાજનક માહિતી તપાસમાં સામે આવી હતી. આર્થિક વિવાદમાં ઘાતકી પગલું ભર્યાની કબૂલાત કરનારા આરોપીની ધરપકડ કરી પોલીસ યુવાનના શબની શોધ કરી રહી છે.
કુર્લાની વિનોબા ભાવે નગર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ અંકિત સિકંદર સાહુ (20) તરીકે થઈ હતી. કુર્લા પશ્ર્ચિમમાં બૈલબાજાર ખાતેના ક્રાંતિ નગરમાં રહેતા આરોપી સાહુએ તેના પરિચિત રાહુલ કુમાર યોગેન્દ્ર પ્રસાદ ખરવાર (26)ની 24 જુલાઈ, 2025ની રાતે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આ પ્રકરણે પોલીસે શુક્રવારે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી રહે છે એ જ ક્રાંતિ નગરમાં રાહુલ પણ પરિવાર સાથે રહેતો હતો. રાહુલ જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં આરોપીની માતા કામ કરતી હોવાથી રાહુલ અને આરોપી વચ્ચે ઓળખાણ થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ 24 જુલાઈની રાતે રાહુલ આંટો મારવા ઘરની બહાર નીકળ્યા પછી ઘરે પાછો ફર્યો નહોતો. આસપાસના પરિસરમાં શોધખોળ કરવા છતાં રાહુલની કોઈ ભાળ ન મળતાં પરિવારે વિનોબા ભાવે નગર પોલીસ સ્ટેશનમાં રાહુલ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મિસિંગ પર્સનની નોંધ કરી રાહુલના મોબાઈલ લૉકેશનને આધારે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને રાહુલના મોબાઈલ ફોનના કૉલ ડેટામાં આરોપી સાહુનો નંબર મળ્યો હતો. છેલ્લે સાહુએ રાહુલને કૉલ કર્યો હતો. વળી, બન્નેના મોબાઈલ લૉકેશન એક જ દેખાડતું હોવાથી પોલીસે શંકાને આધારે સાહુને તાબામાં લઈ તેની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ઉડાઉ જવાબ આપનારા સાહુએ આખરે ગુનો કબૂલ્યો હતો, એવો દાવો પોલીસે કર્યો હતો.
રાહુલને મોબાઈલ ફોનનું પૂરતું જ્ઞાન ન હોવાથી તેણે પ્રોવિડન્ટ ફન્ડની રકમ ઑનલાઈન કઢાવવા સાહુની મદદ લીધી હતી. તે સમયે સાહુએ રાહુલ પાસેથી પાસવર્ડ મેળવી લીધો હતો. સાહુને ઑનલાઈન ગેમ રમવાની આદત હતી. તેણે રાહુલના મોબાઈલમાંથી 30 હજાર રૂપિયા પોતાના ઑનલાઈન ગેમમાં ટ્રાન્સફર કર્યા હતા, એવું પૂછપરછમાં સામે આવ્યું હતું.
30 હજાર રૂપિયા ટ્રાન્સફર થયાની જાણ રાહુલને થતાં તે નાણાં પાછાં માગી રહ્યો હતો. રૂપિયા ન આપે તો ઑનલાઈન ગેમની જાણ તેની માતાને કરવાની ધમકી રાહુલે આરોપીને આપી હતી. પરિણામે ગિન્નાયેલા આરોપીએ રાહુલની પતાવી નાખવાની યોજના બનાવી હતી.
પોલીસ અનુસાર 24 જુલાઈની રાતે આરોપી રાહુલને રૂપિયા આપવાને બહાને ક્રાંતિ નગર નજીક ઍરપોર્ટની કમ્પાઉન્ડ વૉલ પાસે લઈ ગયો હતો. પછી મીઠી નદીના વહેતા પાણીમાં રાહુલને ધક્કો મારી દીધો હતો. બાદમાં રાહુલનો મોબાઈલ લઈને આરોપી ત્યાંથી રવાના થઈ ગયો હતો.



