કુર્લા બસ અકસ્માત: ખાનગી કંપનીના બે વરિષ્ઠ અધિકારી સામેનો કેસ પડતો મુકાયો

મુંબઈ: કુર્લામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં બનેલી બસ અકસ્માતમાં નવ જણે જીવ ગુમાવ્યાની ઘટનામાં બેસ્ટની ઈલેક્ટ્રિક બસોનું સંચાલન કરનારી ખાનગી કંપની સાથે સંકળાયેલા બે વરિષ્ઠ અધિકારીઓ સામેનો કેસ કોર્ટે પડતો મૂક્યો હતો.
એડિશનલ સેશન્સ જજ અવિનાશ કુલકર્ણીએ સોમવારે ઈવે ટ્રાન્સ પ્રાઈવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર રમેશ કતીગંડલા અને મોર્યા ટ્રાન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ રામ સૂર્યવંશીને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યા હતા.
ઈલેક્ટ્રિક બસના ડ્રાઈવરને તાલીમ, દેખરેખ અને ભરતીમાં બેદરકારી માટે બન્ને સહિત બસ ડ્રાઈવર સંજય મોરે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બસ મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત બેસ્ટની હતી. 10 ડિસેમ્બર, 2024ની રાતે 9.30 વાગ્યાની આસપાસ કુર્લા પશ્ર્ચિમમાં એસ. જી. બર્વે માર્ગ પર ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસે અનેક વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ઘટનામાં નવ જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 42 ગંભીર રીતે ઘવાયા હતા.
આ પણ વાંચો: કુર્લા કિલર બસ અકસ્માતઃ મૃત્યુઆંક વધીને ૮ થયો, ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત
આરોપી વતી એડ્વોકેટ સુવર્ણા વસ્ત અને શરણ્ય વસ્તે દલીલ કરી હતી કે મોરેને બેસ્ટની બસો ચલાવવાનો ત્રણ વર્ષથી વધુ સમયનો અનુભવ હતો. ઈલેક્ટ્રિક બસ ચલાવવા માટે મોરેને મંજૂરી આપનારી આખરી સત્તા બેસ્ટ પાસે જ હતી અને તેને દિંડોશીના બેસ્ટ ડેપોમાં ડ્રાઈવિંગની તાલીમ આપવામાં આવી હતી.
બચાવ પક્ષે જણાવ્યું હતું કે બેસ્ટને આ કેસમાં આરોપી બનાવાઈ નથી અને ઑપરેશન્સ સ્ટાફ રોજબરોજની કામગીરી, ભરતી અને સંચાલન જવાબદારીઓ માટે પ્રત્યક્ષ જવાબદાર છે. આમ છતાં બેસ્ટને આ કેસમાં સાક્ષીદાર બનાવવામાં આવી છે. આ કેસમાં દાખલ આરોપનામામાં બન્ને વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)