સગાં-સંબંધીઓના રેકોર્ડના આધારે કુણબી પ્રમાણપત્ર મળશે: રાજ્યના પ્રધાન

મુંબઈ: કેટલાક ઓબીસી નેતાઓના વિરોધની વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે એવું નિવેદન કર્યું હતું કે મરાઠા સમાજના જે લોકોના સગાં-સંબંધીઓ (લોહીના સંબંધો)ના રેકોર્ડમાં કુણબી ટ્રેસ કરવામાં આવશે તે બધાને કુણબીના પ્રમાણપત્રો મળશે.
શનિવારે પત્રકારો સાથે વાત કરતાં પાટીલે કહ્યું કે બંને સમુદાયો (ઓબીસી અને મરાઠા) એ સમજવાની જરૂર છે કે સગે સોયરે (સગાં-સંબંધી) અંગેનું નોટિફિકેશન કોઈના હિતને નુકસાન પહોંચાડશે નહીં. સરકાર સોમવારે આ મુદ્દાને ઉકેલવા માટે સર્વપક્ષીય બેઠક યોજવાની છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગયા મહિને તેમના અનિશ્ર્ચિત ઉપવાસને સ્થગિત કરનારા મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ મરાઠા સમુદાયના સભ્યોને સગે સોયરેના આધારે કુણબી તરીકે માન્યતા આપતા ડ્રાફ્ટ નોટિફિકેશનના અમલની માગણી કરી રહ્યા છે.
તેઓ માંગ કરી રહ્યા છે કે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો જારી કરવામાં આવે, જેથી તેઓ આરક્ષણના લાભો માટે પાત્ર બની શકે.
આ પણ વાંચો: બીએમસીનો દાવોઃ મુંબઈમાં મરાઠા સમાજ અને ઓપન કેટેગરીનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો
કુણબી એક કૃષિ સમાજ છે અને તેને અન્ય પછાત વર્ગો (ઓબીસી) શ્રેણીમાં આરક્ષણ આપવામાં આવ્યું છે.
ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે જેના રેકર્ડ (કુણબી તરીકે) મળી આવશે તેમને જ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે. કુણબી પ્રમાણપત્ર મેળવનારાઓના સગાં સંબંધીને પણ (કુણબી) પ્રમાણપત્ર મળશે.
ગયા મહિને ઓબીસી કાર્યકરો લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારેએ 10 દિવસ માટે ભૂખ હડતાળ કરી હતી અને મરાઠાઓને ક્વોટા લાભ મેળવવા માટે કુણબી પ્રમાણપત્રો આપતા ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કરવાની માંગણી કરી હતી.
તેઓએ માંગ કરી છે કે ઓબીસી ક્વોટાને ઘટાડવો ન જોઈએ.
પાટીલે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ બંને સમુદાયના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યા છે. (પીટીઆઈ)