‘અમે કામરાની ધોલાઈ કરીશું’ શિવસેનાના કાર્યકરોએ હોટેલ તોડફોડ કર્યા બાદ સંજય નિરૂપમની ધમકી…

મુંબઈ: રાજકીય બાબતો પર ટિપ્પણીઓ કરવા માટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી (Kunal Kamra)વિવાદમાં છે. એક શો દરમિયાન કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) પર ટીપ્પણી કરી હતી, જેના કારણે શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા છે. મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં કુણાલ કામરાનો આ શો શૂટ કરવામાં આવ્યો હતો, રવિવારે શિવસેનાના કાર્યકરોએ હોટેલમાં તોડફોડ (Shivsena Vandalism) કરી હતી. ત્યાર બાદ શિવસેનાના નેતાઓએ ધમકીઓનો મારો ચલાવ્યો છે.
આ પણ વાંચો…નેતાઓને જાતિવાદી ગણાવી નિતિન ગડકરીએ આપ્યો આવો તર્ક, ચૂંટણીમાં પણ…
અહેવાલ મુજબ કુણાલ કામરાએ એકનાથ શિંદે માટે ‘ગદ્દાર’ શબ્દ વાપરીને કટાક્ષ કર્યો હતો, જેની વીડિયો કલીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પાર્ટીના નારાજ કાર્યકર્તાઓ ગઈ કાલે હોટલના ઓડિટોરિયમમાં પહોંચી ગયા હતા. તોડફોડ કરનારાઓએ કામરા સામે FIR નોંધવાની માંગ કરી છે.
શિવસેના (UBT) ના નેતા સંજય રાઉતે પણ સોશિયલ મીડિયા X પર પણ કામરાનો વિડીયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું, “કુણાલ કા કમાલ.” કામરાએ ફિલ્મ “દિલ તો પાગલ હૈ” ના એક ગીતના અલગ વર્ઝન સાથે શિંદે પર કટાક્ષ કર્યો હતો.
શિવસેનાની ધમકી:
શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કામરાને ખુલ્લે આમ ધમકી આપી છે. તેમને કહ્યું કે દેશભરમાં શિવસેનાના કાર્યકરો તેમની પાછળ પાછળ પડી જશે. મ્હસ્કેએ કહ્યું કે “તમને ભારતમાંથી ભાગી જવા મજબુર થવું પડશે.”
મ્હસ્કેએ આરોપ લગાવ્યો કે કામરાએ શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા હતા અને એકનાથ શિંદેને બદનામ કરી રહ્યા છે. ઠાકરે પર પ્રહાર કરતા તેમણે કહ્યું, “તેમની પાર્ટીમાં કોઈ બચ્યું નથી, તેથી જ તે આવા લોકોને નોકરી પર રાખી રહી છે. કામરાને હવે ખબર પડશે કે શિંદેની ટીકા કરવાના પરિણામો શું હશે.”
સાંસદે ‘X’ પર વીડિયો શેર કરવા બદલ શિવસેના નેતા સંજય રાઉતની પણ ટીકા કરી.
શિવસેના દિગ્ગજ નેતા સંજય નિરુપમે પણ કામરાને ધમકી આપી છે, તેમને ‘X’ પર પોસ્ટ કરી લખ્યું, “આપણે કાલે સવારે 11 વાગ્યે કુણાલ કામરાને માર મારીશું.”
કામરાને સમર્થન:
તોડફોડની ઘટના અને ધમકીઓ બાદ શિવસેના (UBT) ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ‘X’ પર લખ્યું, “પ્રિય કુણાલ, હિંમત રાખજો. તમે જે માણસ અને ગેંગનો પર્દાફાશ કર્યો છે તે તમારી પાછળ પડશે, અને તેમના વેચાયેલા માણસો પણ. વોલ્ટેરે કહ્યું હતું ~ ‘હું તમારા વિચારો સાથે અસંમત હોઈ શકું છું, પરંતુ તમને બોલવાનો અધિકાર છે અને હું તેનો મૃત્યુ સુધી બચાવ કરીશ.'”
રાઉતે એક પોસ્ટમાં કહ્યું, “કુણાલ કામરા એક પ્રખ્યાત લેખક અને સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. કુણાલે મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્ય પર એક પેરોડી ગીત બનાવ્યું, જેનાથી શિંદે ગેંગ ગુસ્સે થઈ ગઈ અને ત્યારબાદ તેઓએ સ્ટુડિયોમાં તોડફોડ કરી.”