મુંબઈમાં કુણાલ કામરાનું સ્વાગત તો ‘શિવસેના’ સ્ટાઇલથી થશે, કોણે કહ્યું?

મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આડકતરી રીતે ‘ગદ્દાર’ કહેનારા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા મુંબઈ આવશે ત્યારે તેનું શિવસેના સ્ટાઇલમાં સ્વાગત કરાશે, એમ શિવસેનાના નેતા રાહુલ કનાલે જણાવ્યું હતું. કામરાએ જ્યાં શો કર્યો હતો તે ખારના સ્ડુડિયોમાં ૨૩મી માર્ચે શિવસૈનિકો દ્વારા જે તોડફોડ કરાઇ હતી તેમાં અને આ પ્રકરણે કરાયેલી ધરપકડમાં કનાલનો પણ સમાવેશ થાય છે.
અમે (શિવસૈનિકો) દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં હાજરી લગાવવા આવીએ છીએ ત્યારે કામરાના હાલચાલ પણ અમે પૂછીએ છીએ. મને એવું લાગે છે કે મુંબઈ પોલીસ કામરાને અહીં લાવશે, એમ કનાલે કહ્યું હતું. મુંબઈમાં અમારી ‘અતિથિ દેવો ભવ’ની પ્રથા છે અને અમે શિવસેના સ્ટાઇલમાં તેનું સ્વાગત કરીશું’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની મુશ્કેલી વધી, બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી…
બૉમ્બે હાઇ કોર્ટે મંગળવારે કામરાની તેની સામેની એફઆઇઆર રદ કરવાની અરજી પર શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલ અને મુંબઈ પોલીસ પાસે જવાબ માગ્યો હતો અને સુનાવણી ૧૬મી એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. મુંબઈ પોલીસે ત્રણ વખત કામરાને સમન્સા પાઠવ્યા હોવા છતાં તે પૂછપરછ માટે હાજર રહેવામાં નિષ્ફળ રહ્યો છે.