કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી થશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી થશે

લોકોને જાહેર પરિવહનમાં મરવા દેવા ખરો વિશ્વાસઘાત: કામરા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કુણાલ કામરા ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નિશાન બનાવતા તેમના પેરોડી ગીતના મુદ્દે હવે તેમની સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ થવાની તૈયારીમાં છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે માહિતી આપી હતી.

આ માહિતી આવ્યા બાદ કામરાએ વિશેષાધિકાર ભંગના અહેવાલને રિટ્વિટ કરતાં એવી ટિપ્પણી કરી હતી કે ખરો વિશ્ર્વાસઘાત તો લોકોને જાહેર પરિવહનમાં રોજ મરવા દેવાનો છે. તેમનો ઉલ્લેખ મુંબઈમાં લોકલ ટ્રેન અકસ્માતમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં તે હતો.

આ પણ વાંચો: મારી ઓકાત નથી તો.. ટૂંક સમયમાં મુંબઈમાં એક શો કરીશ: સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાનો મુખ્ય પ્રધાનને પડકાર

ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે માર્ચમાં બજેટ સત્ર દરમિયાન રાજ્ય વિધાન પરિષદમાં હાસ્ય કલાકાર કુણાલ કામરા અને શિવસેના (યુબીટી)ના પ્રવક્તા સુષ્મા અંધારે વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરી હતી.

વિધાનસભાના સચિવ જિતેન્દ્ર ભોલેએ જણાવ્યું હતું કે, ‘વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ ભાજપ એમએલસી પ્રસાદ લાડની આગેવાની હેઠળની વિશેષાધિકાર સમિતિને નોટિસ મોકલી છે.’

આ પણ વાંચો: કુણાલ કામરાની ધરપકડ ન કરતા, તપાસ ચાલુ રાખો: કોર્ટ

લાડે જણાવ્યું હતું કે તેમના નેતૃત્વ હેઠળની સમિતિએ વિશેષાધિકાર ભંગની નોટિસની ચર્ચા કરવા માટે બેઠક કરી હતી, કામરા અને અંધારેને નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

રાજકારણીઓ અને સેલિબ્રિટીઓના ભોગે બોલ્ડ કોમેડી અને વ્યંગ માટે જાણીતા કામરાએ માર્ચમાં શિવસેના પ્રમુખને નિશાન બનાવતું ગીત રજૂ કર્યા બાદ શિંદેના સમર્થકોના આક્રોશ સહન કરવાનો વારો આવ્યો હતો.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button