કુણાલ કામરા વિવાદઃ કોલ રેકોર્ડિંગની થશે તપાસ, જાણો દિવસ દરમિયાન શું થયું?

મુંબઈ: જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ નામ લીધા વિના શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને કથિત રીતે ‘ગદ્દાર’ કહ્યા. એક શોની વીડિયો ક્લિપ કામરાએ પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી જેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. સ્ટૂડિયોમાં તોડફોડ કરવામાં આવ્યા પછી તોડફોડ કરનારા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આરોપીઓની ધરપકડ પછી જામીન પણ મળી ગયા હતા, જ્યારે સ્ટૂડિયોને પણ બંધ કરવામાં આવ્યો હતો. રાજકીય વિવાદ થયા પછી કુણાલ કામરા પોતાના નિવેદનને વળગી રહીને કહ્યું હતું કે મેં મારા પૂરા હોશમાં રહીને નિવેદન આપ્યું હતું તથા તેના અંગે મને કોઈ ખેદ પણ નથી. કાયદાનું પાલન કરીશ પણ માફી નહીં માગું. જોકે, કુણાલ કામરાની ટિપ્પણી પછી તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે રાજ્યના મંત્રીએએ કહ્યું હતું કે તેના કોલ રેકોર્ડિંગની તપાસ પણ થશે.
ખાર વિસ્તારમાં યુનિકોન્ટિનેન્ટલ હોટેલના સ્ટૂડિયોમાં શો દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે વાંધાજનક ગીત રજૂ કરવા બદલ સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ સોમવારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે કુણાલ કામરાના વિવાદાસ્પદ ગીતને લઇ રવિવારે રાતે સ્ટુડિયોમાં તોડફોડ કરવા પ્રકરણે શિવસેના (શિંદે જૂથ)ના પદાધિકારી રાહુલ કનાલ તથા અન્ય 11 જણની ધરપકડ કરવામાં આવી હતી.
એફઆઈઆરને ખારમાં ટ્રાન્સફર કરાઈ
શિવસેનાના સ્થાનિક વિધાનસભ્ય મુરજી પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે સોમવારે કુણાલ સામે એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. કુણાલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો 353 (1) (બી), 353 (2) (જાહેર ગેરવર્તન કરતાં નિવેદન) અને 356 (2) (બદનક્ષી) સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
એફઆઇઆર બાદમાં ખાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કુણાલ કામરાએ શો દરમિયાન એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમને ‘ગદ્દાર’ તરીકે સંદર્ભિત કર્યા હતા. આ વીડિયો ક્લિપ બાદમાં વાયરલ થયા બાદ કુણાલે જ્યાં રેકોર્ડિંગ કર્યું હતું, એ સ્ટૂડિયોમાં શિંદે સેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. કાર્યકરો સૂત્રોચ્ચાર કરતાં સ્ટૂડિયોમાં ઘૂસ્યા હતા અને તેમણે શો બંધ કરાવ્યો હતો.
આ પણ વાંચો :કુણાલ કામરાનો શો યોજીને The Habitat studio મુશ્કેલીમાં ફસાયો; BMCએ ડિમોલિશન ડ્રાઇવ શરુ કરી
સ્ટૂડિયો ખાલી કરવાનું કહ્યા પછી તોડફોડ કરાઈ

દર્શકોને સ્ટૂડિયો ખાલી કરવા કહ્યું અને ત્યાં કામ કરનારા કર્મચારીઓ સાથે ધક્કામુક્કી કરી હતી. તેમણે બાદમાં સ્ટૂડિયોમાં તોડફોડ કરી હતી. દીવાલો પર કાળું ચોપડ્યું અને કુણાલનું નામ કાળી શાહીથી લખ્યું હતું. ખાર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરીને શિવસેનાના પદાધિકારી કનાલ સહિત 12 જણની ધરપકડ કરાઇ હતી. તમામને કોર્ટમાં હાજર કરાતાં તેમને જામીન છોડાયા હતા. વિધાનસભ્ય મુરજી પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર કથિત હોટેલમાં કોમેડી શો દરમિયાન શિંદે વિરુદ્ધ કુણાલે વાંધાજનક ટિપ્પણી કરી હતી. બે રાજકીય પક્ષો વચ્ચે ધિક્કાર પેદા કરવાનું તેણે કામ કર્યું હતું, એવો તેમાં આરોપ કરાયો છે.
રવિવારે રાતે એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર મૂકી
કુણાલે શોમાં કહ્યું હતું કે શિવસેના પહેલાં ભાજપમાંથી બહાર નીકળી, ત્યાર બાદ શિવસેના શિવસેનામાંથી બહાર નીકળી, એનસીપી એનસીપીમાંથી બહાર નીકળી. હવે તેમણે એક મતદારને નવ બટન આપ્યા છે. બધા જ મૂંઝવણમાં છે. બાદમાં શિંદેને લક્ષ્ય કરતાં ‘દિલ તો પાગલ હૈ’ ફિલ્મનું ગીત ગાયું: મેરી નજર સે તુમ દેખો તો ગદ્દાર નજર વો આયે, હાયે. કુણાલે બે મિનિટની સ્ટૅન્ડ-અપ શોની વીડિયો ક્લિપ રવિવારે રાતે એક્સ અને ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી, જેને પગલે શિંદે સેનાના કાર્યકરો ઉશ્કેરાયા હતા.
અભી તો યે ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ’

કુણાલ કામરાના વિવાદાસ્પદ ગીતને લઇ સ્ટુડિયોમાં કરાયેલી તોડફોડ બાદ શિવસેનાના પદાધિકારી રાહુલ કનાલે સોમવારે જણાવ્યું હતું કે આ કોઇ કાયદો તમારા હાથમાં લેવાની વાત નથી. એ તો માત્ર તમારા આત્મસન્માનની છે. જ્યારે દેશના વડીલો અથવા આદરણીય નાગરિકોની વાત આવે છે અને તમારા વડીલોને નિશાન બનાવવામાં આવે છે ત્યારે તમે એ માનસિકતા ધરાવતી વ્યક્તિને નિશાન બનાવશો. ‘અભી તો યે ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ.’ તમે જ્યારે પણ મુંબઈમાં હો, ત્યારે તમને શિવસેના સ્ટાઇલમાં સારો પાઠ શીખવા મળશે, એવી ચેતવણી કનાલે કુણાલ કામરાને આપી હતી. કનાલના કહેવા અનુસાર તેમણે માલિક (હેબિટેટ સેટના)ને કહ્યું હતું કે (વિવાદાસ્પદ શૉનું આયોજન કરવા બદલ) સ્થળ સામે છ એફઆઇઆર દાખલ કરાયા છે.
આ પણ વાંચો : ‘અમે કામરાની ધોલાઈ કરીશું’ શિવસેનાના કાર્યકરોએ હોટેલ તોડફોડ કર્યા બાદ સંજય નિરૂપમની ધમકી…
તોડફોડ બાદ હેબિટેટ સ્ટૂડિયોને તાળાં

ખાર વિસ્તારમાં હોટેલ યુનિકોન્ટિનેન્ટલના હેબિટેટ સ્ટૂડિયોમાં સ્ટૅન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના વિવાદાસ્પદ ગીતને લઇ રવિવારે રાતે શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોએ કરેલી તોડફોડ બાદ સોમવારે સ્ટૂડિયોના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા. હેબિટેટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે અમને લક્ષ્ય બનાવતી તોડફોડની ઘટના બાદ અમને આંચકો લાગ્યો છે. અમે ચિંતિત છીએ અને અત્યંત ભાંગી પડ્યા છીએ. શૉમાં કલાકારોના અભિપ્રાયો અને રચનાત્મક વિચારો માટે તેઓ જ પોતે જવાબદાર હોય છે. અમે કોઇ પણ કલાકાર દ્વારા પર્ફોર્મ કરાતી કન્ટેન્ટમાં સંકળાતા નથી, પણ હાલની ઘટનાઓએ અમને ફરીથી વિચારવા માટે મજબૂર કર્યા છે કે કેવી રીતે અમને દોષી ઠેરવવામાં આવે છે અને દર વખતે અમને નિશાન બનાવવામાં આવે છે જેમ કે અમે કલાકારોના પ્રતિનિધિ છીએ.
કામરાના નિવેદનને લઈ બંને ગૃહમાં થઈ બબાલ

મહારાષ્ટ્ર રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે કહ્યું કે કોમેડિયન કુણાલ કામરાના કોલ રેકોર્ડિંગ, સીડીઆર અને બેંક સ્ટેટમેન્ટની પણ તપાસ કરવામાં આવશે. આ કેસમાં તેની પાછ કોનો દોરીસંચાર છે એની પણ તપાસ કરવામાં આવશે. કુણાલ કામરાના નિવેદન પછી મહારાષ્ટ્રના બંને ગૃહમાં બબાલ થઈ હતી. અનેક વખત સત્રની કાર્યવાહીને રોકવામાં આવી હતી. વિધાનસભામાં શિવસેનાના વિધાનસભ્યોએ કુણાલ કામરાની સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.