
મુંબઈઃ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગયા અઠવાડિયે વિધાન પરિષદમાં મોબાઇલ ફોન પર મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન અને એનસીપીના નેતા માણિકરાવ કોકાટે રમીની ગેમ રમી રહ્યા હતા એવો વીડિયો શેર કરી તેમની બદનામી કરનારા વિપક્ષી નેતાઓ સામે પોતે કાનૂની કાર્યવાહી કરશે એમ કોકાટેએ જણાવ્યું હતું.
કોકાટેએ એમ પણ કહ્યું હતું કે તેઓ આ વીડિયોની તપાસ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેને પત્ર લખશે અને જો પોતે દોષી સાબિત થશે તો તાત્કાલિક રાજીનામું આપી દેશે.
આ મુદ્દે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ સમતોલ પ્રતિક્રિયા આપી હતી. તેમણે મીડિયાને કહ્યું હતું કે, “મારું માનવું છે કે આ બાબત અત્યંત અયોગ્ય છે. ભલે કોઈ વ્યક્તિ કાર્યવાહીમાં સક્રિય રીતે ભાગ ન લઈ રહ્યું હોય છતાં પણ વિધાનસભાની ચર્ચા દરમિયાન ગંભીરતાથી બેસવું જરૂરી છે.
કેટલીકવાર, સમાચારો વાંચતી વખતે આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે, પરંતુ કોઈને રમી રમતા દર્શાવતો વિડિયો બિલકુલ અસ્વીકાર્ય છે. તેમણે (મણિકરાવ કોકાટે) સ્પષ્ટતા કરી છે કે તેઓ રમી રમતા નહોતા, પરંતુ જે કંઈ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે.”
આપણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર સ્થગિત, શિયાળુ સત્ર 8 ડિસેમ્બરથી નાગપુરમાં…
દરમિયાન આ બાબત અંગે બાવનકુળેએ કહ્યું હતું કે ‘કોકાટેજીએ પોતે પોતાની સ્થિતિ રજૂ કરી છે. (સીએમ) દેવેન્દ્રજીએ કહ્યું છે કે તપાસ કરવામાં આવશે અને જો કંઈક નક્કર બહાર આવશે તો કોકાટેએ પોતે શું કરશે એ જણાવ્યું જ છે. એટલે મારે કંઈ પણ કહેવું યોગ્ય નહીં કહેવાય.’
વિધાનસભા સત્ર દરમિયાન કોકાટે રમી રમતા હોવાનો વીડિયો શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવાર દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ કારણે કોકાટેના રાજીનામાની માંગ થઈ રહી છે.
આ અંગે, બધાની નજર નાશિકમાં માણિકરાવ કોકાટેની પ્રેસ કોન્ફરન્સ પર હતી. પરંતુ રાજીનામાની જાહેરાત કરવાને બદલે માણિકરાવ કોકાટેએ કૃષિ વિભાગની નવી યોજનાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે તેઓ કૃષિ સમૃદ્ધિ નામની નવી યોજના શરૂ કરી રહ્યા છે. કેબિનેટે ખેડૂતોના ખેતરોમાં રૂ. 5,000 કરોડના મૂડી રોકાણને મંજૂરી આપી હતી, જેનો, જીઆર આજે જારી કરવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)