જાણી લો આજે પશ્ચિમ રેલવેની ટ્રેનસેવાને કોણે ખોરવી હતી?
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં ટેક્નિકલ યા અકસ્માત સંબંધમાં લોકલ ટ્રેનો મોડી પડતી હોવાથી પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં હાલાકી પડે છે ત્યારે આજે પશ્ચિમ રેલવેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલ રોકો કરીને ટ્રેનસેવાને ખોરવી નાખી હતી.
મહારાષ્ટ્રમાં તલાટીઓની ભરતી કરવાની માગણી મુદ્દે આજે પશ્ચિમ રેલવેમાં કોંગ્રેસની યુવાપાંખના કાર્યકરોએ રેલરોકો કરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. તલાટીની ભરતી વિરોધમાં કોંગ્રેસની યુવાપાંખના કાર્યકરોએ આક્રમક ભૂમિકા લઈને રેલ રોકો કર્યું હતું. તલાટીની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો હતો.
આ પ્રકરણમાં એસઆઈટી દ્વારા તપાસ કરવાની કોંગ્રેસે માગણી કરી હતી. આ માગણીના સંદર્ભમાં વિરાર-ચર્ચગેટ લોકલ ટ્રેનને દાદર રેલવે સ્ટેશને બપોરના 3.15 વાગ્યે અટકાવી હતી. 20થી 25 જેટલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યા પછી જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનોને તાકીદે બોલાવવામાં આવ્યા હતા, પરિણામે લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી, એમ પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક પર ઉતરીને ટ્રેનને રોકી હતી. મોટરમેનની કેબિન સામેના ફ્રન્ટ પર ચઢીને તલાટીની ભરતી પરીક્ષા મુદ્દે થનારી ગેરરીતિ થઈ હોવાનો દાવો કર્યો હતો. પરીક્ષામાં અમુક ઉમેદવારોને વધુ માર્કસ આપ્યા હોવાથી તેને રદ કરવાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે તલાટીની પરીક્ષામાં એક લાખથી વધુ ઉમેદવારે પરીક્ષા આપી હતી.