ઈલેક્શન સ્પેશિયલ: મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની વાત પાછળનું સત્ય અને જૂનો ઇતિહાસ, જાણો?

મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે મુંબઈને લઈને ફરી રાજકારણ ગરમાયું છે. એક સમયે ‘બોમ્બે’ તરીકે ઓળખાતું આ શહેર ફરી એકવાર સમાચારમાં છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે ફરી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાનું ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું લાંબા સમયથી સ્વપ્ન છે અને દાવો કરતા કહ્યું કે, ઠાકરે પરિવાર આ સ્વપ્નને ક્યારેય પૂર્ણ થવા દેશે નહીં.
મહારાષ્ટ્રના રાજકારણમાં હાલમાં મનસે નેતા રાજ ઠાકરે અને શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે સાથેની સંયુક્ત વાતચીત ચર્ચાનો વિષય બની ગઈ છે. ઠાકરે બંધુઓના ઇન્ટરવ્યુનો બીજો ભાગ સામના અખબારમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ એકસૂરમાં મરાઠી અસ્મિતા, મુંબઈ અને મહારાષ્ટ્રના ભવિષ્ય અંગે ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે મહારાષ્ટ્રના લોકોને અપીલ કરતા કહ્યું, “અમે એક થયા છીએ, હવે મરાઠી સમુદાયે પણ એકતા બતાવવી જોઈએ. મરાઠી સમુદાયે અમને ચૂંટવા જ જોઈએ. મરાઠી ઓળખ જાળવવી એ સમયની માંગ છે. તેમણે કહ્યું કે મરાઠી લોકોએ તેમના મતભેદો અને સંઘર્ષો બાજુ પર રાખીને મહારાષ્ટ્રના હિત માટે કામ કરવું જોઈએ.
આ દાવાઓ વચ્ચે ચાલો જાણીએ તે ભૂતકાળ વિશે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે મુંબઈને લઈને યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આઝાદી પછી ભારત સામે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો કે કયા આધારે રાજ્યો બનાવવા જોઈએ? લોકોએ માંગ કરી હતી કે રાજ્યની સીમાઓ ભાષાના આધારે નક્કી કરવામાં આવે, જેનાથી વહીવટ અને ઓળખ બંને સરળ બને. આ વિચાર સાથે, આખા દેશભરમાં ભાષા આધારિત રાજ્યોની માંગણીઓ થવા લાગી.
તે સમયે બોમ્બે રાજ્ય એક વિશાળ પ્રદેશ હતો, જેમાં હાલના મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેનો સમાવેશ થતો હતો. અહીં મરાઠી અને ગુજરાતી બંને ભાષાઓ બોલાતી હતી. ધીમે ધીમે આ વાત જ વિવાદનું મૂળ કારણ બની. મરાઠીભાષીઓ અલગ મહારાષ્ટ્ર રાજ્ય ઇચ્છતા હતા, જેમાં મુંબઈનો સમાવેશ થાય. તે દરમિયાન, ગુજરાતી સમુદાયે “મહાગુજરાત ચળવળ” શરૂ કરી અને તેઓ પણ મુંબઈને પોતાના રાજ્યનો ભાગ માનતા હતા.
મુંબઈ વિવાદનું કેન્દ્ર કેમ બન્યું?
તે સમયે પણ મુંબઈ દેશની આર્થિક રાજધાની હતું. મુખ્ય ઉદ્યોગો, બંદરો, વેપાર અને રોજગારની તકો બધું મુંબઈમાં હતું. ગુજરાતી વેપારીઓ માનતા હતા કે તેમણે મુંબઈને આર્થિક રીતે મજબૂત બનાવ્યું છે. મરાઠી લોકો માટે, મુંબઈ ફક્ત એક શહેર નહોતું, પરંતુ તેમની સાંસ્કૃતિક ઓળખ હતું. આ જ કારણ હતું કે બંને પક્ષો કોઈપણ સંજોગોમાં મુંબઈ છોડવા તૈયાર નહોતા. આ ઝઘડાને કારણે સમગ્ર મુંબઈ રાજ્યમાં રાજકીય અને સામાજિક વિવાદ ઉભો થયો. 1955માં, રાજ્ય પુનર્ગઠન સમિતિએ ભલામણ કરી કે મુંબઈ રાજ્ય દ્વિભાષી હોય અને મુંબઈ તેની રાજધાની હોય. પરંતુ આ દરખાસ્તને મરાઠી કે ગુજરાતી બંને સમાજે સ્વીકારી નહીં. 1956માં, જ્યારે રાજ્ય પુનર્ગઠન પંચે પણ બોમ્બેને દ્વિભાષી રાજ્ય રાખવાની ભલામણ કરી, ત્યારે લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. બંને આંદોલનોએ મોટું રૂપ ધારણ કર્યું.
મુંબઈથી અમદાવાદ સુધીના રસ્તાઓ પર હિંસા જોવા મળી
21 નવેમ્બર, 1955ના હજારો લોકો મુંબઈના તે સમયે ફ્લોરા ફાઉન્ટેન તરીકે ઓળખાતા હુતાત્મા ચોક ખાતે શાંતિપૂર્ણ રીતે કૂચ કરી રહ્યા હતા અને સંયુક્ત મહારાષ્ટ્રની માંગ કરી રહ્યા હતા. જોકે, પરિસ્થિતિ વધુ વણસતા પોલીસે ટીયર ગેસ અને ગોળીબારનો આશરો લીધો. આ ઘટનામાં પંદર લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેવી જ રીતે, 8 ઓગસ્ટ, 1956ના અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓએ મહાગુજરાત ચળવળના ભાગરૂપે પ્રદર્શન કર્યું હતું. અહીં પણ પોલીસ ગોળીબારમાં પાંચથી આઠ વિદ્યાર્થી માર્યા ગયા હતા. આ બંને ઘટનાઓએ વિરોધ પ્રદર્શનોને વધુ વેગ આપ્યો. તે હવે ફક્ત રાજકીય મુદ્દો ન રહેતા, લોકોની લાગણીઓ અને ઓળખનો પ્રશ્ન બની ગયો હતો.
પીએમ નહેરુના પ્રસ્તાવ પર સર્વસંમતિ ન થઈ
તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ એક વચ્ચેનો માર્ગ સૂચવ્યો હતો. બંને પક્ષો વચ્ચે સંતુલન જાળવવા માટે મુંબઈને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો જોઈએ, પરંતુ આ સૂચન કોઈએ સ્વીકાર્યું નહીં. મરાઠીઓ ઇચ્છતા હતા કે મુંબઈ મહારાષ્ટ્રનો ભાગ રહે અને ગુજરાતીઓ પણ તેને છોડવા તૈયાર નહોતા.
આખરે 1 મે, 1960ના રોજ ચુકાદો આવ્યો
લાંબા આંદોલનો, વિરોધ અને રાજકીય દબાણ પછી, કેન્દ્ર સરકારે 1 મે, 1960ના રોજ બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કર્યો, જેમાં બે નવા રાજ્ય, મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના થઈ. મુંબઈનો સમાવેશ મહારાષ્ટ્રમાં થયો હતો, જ્યારે ગુજરાતનું કામચલાઉ પાટનગર અમદાવાદ હતું, જે પાછળથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું. આમ એક જ રાજ્યમાંથી બે અલગ રાજ્યોનો જન્મ થયો હતો. આ નિર્ણયથી મરાઠી સમુદાય ખુશ થયો હતો તેમને થયું કે તેમની ભાષા અને ઓળખનું સન્માન કરવામાં આવ્યું છે, જયારે ગુજરાતી સમાજ નારાજ હતો કે મુંબઈ તેમના ભાગે ન આવ્યું. રાજ્યના વિભાજન પછી ઘણા ગુજરાતી ઉદ્યોગપતિઓ મુંબઈ છોડીને ગુજરાત પાછા ફર્યા. આ દરમિયાન મરાઠી સમાજમાં ગર્વ અને ઓળખની લાગણીઓ વધુ મજબૂત થઇ .
શિવસેનાનો ઉદય અને નવી રાજનીતિ
બાળાસાહેબ ઠાકરેએ 1966માં શિવસેનાની સ્થાપના કરી હતી. તેણે “મરાઠી માણુસ ” ના અધિકારોનું રક્ષણ કરવા અને મુંબઈને મરાઠીઓનું શહેર બનાવવા માટે ઝુંબેશ આદરી. શરૂઆતમાં, સંગઠને હિન્દી ભાષી સમાજનો વિરોધ કર્યો અને પછીથી ગુજરાતી સમુદાયનો પણ વિરોધ કર્યો, જેનાથી મુંબઈના રાજકારણમાં ભાષા અને ઓળખનો મુદ્દો વધુ ઊંડો બન્યો.
મહારાષ્ટ્ર અને ગુજરાત બંને દર વર્ષે 1 મેના રોજ તેમના સ્થાપના દિવસની ઉજવણી કરે છે. મહારાષ્ટ્રમાં મુંબઈમાં પરેડ અને કાર્યક્રમોનું આયોજન થાય છે, જ્યારે ગુજરાત અમદાવાદ અને ગાંધીનગરમાં ઉજવણી કરે છે. આજે બંને રાજ્યો વિકાસના માર્ગે આગળ વધી ગયા છે, પરંતુ ભાષા અને ઓળખને લઈને તણાવ હજુ પણ ક્યારેક જોવા મળે છે. આ વાત ફક્ત બે રાજ્યોની રચનાની નથી, પરંતુ લોકોની લાગણીઓ, સંઘર્ષો અને ઓળખ વિશે પણ છે, જેણે ભારતનો રાજકીય નકશો હંમેશાં માટે બદલી નાખ્યો. દેશમાં અલગ રાજ્ય અને અલગ શહેરો-જિલ્લા બનાવવાની ઈલેક્શન ટાણે ચર્ચાઓ થાય છે, પરંતુ રાજનેતાઓ એ ભૂલી જાય છે કે આ દેશના મહત્ત્વના અંગ છે, જેનાથી દેશ ટક્યો છે. ભાગલાથી ક્યારેય કોઈ દેશ યા રાજ્ય સુખી થયું હોવાનું જાણ્યું નથી, પરંતુ ચૂંટણી વખતે નેતાઓ ફક્ત પોતાની ભાખરી શેકી રહ્યા એ હકીકત છે.



