મેટ્રો 2B માટે નવી અપડેટ જાણો, પ્રથમ તબક્કો ઓક્ટો.ના અંત સુધીમાં શરુ થશે!

મંડલાથી ચેમ્બુર (ડાયમંડ ગાર્ડન) સુધીના 5.6 KMના આ રૂટ પર મુસાફરી સરળ બનશે, જાણો વિગતો.
મુંબઈઃ મુંબઈમાં મેટ્રોનું નેટવર્ક વિસ્તરતું જાય છે. એમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે. મેટ્રો 2Bના પ્રથમ તબક્કાના રૂપમાં નાગરિકોને વધુ એક મેટ્રોની ભેટ મળવાની છે. મેટ્રો 3 કોરિડોર પછી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ મેટ્રો 2Bના પ્રથમ તબક્કો શરૂ કરવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. MMRDA અનુસાર મેટ્રો-2Bને CMRI તરફથી મંડલા (માનખુર્દ)થી ડાયમંડ ગાર્ડન (ચેમ્બુર) સુધી સેવા શરૂ કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે.
MMRDAએ 5.6 કિમી લાંબા ફેઝ 1 પર સેવા શરૂ કરવા માટે મેટ્રો રેલવે સેફ્ટી બોર્ડ (CMRS) પાસેથી ફરજિયાત પ્રમાણપત્ર પણ મેળવ્યું છે. હાલમાં કોરિડોર પર સફાઈ અને રંગકામ ચાલી રહ્યું છે. ઓક્ટોબરના અંત સુધીમાં મેટ્રોના દરવાજા સામાન્ય મુસાફરો માટે ખોલવામાં આવશે. MMRDAના કમિશનર ડૉ. સંજય મુખર્જીએ સેવા શરૂ થાય તે પહેલાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી. એપ્રિલથી આ રૂટ પર ટ્રાયલ રન ચાલી રહ્યા છે.
આ પાંચ સ્ટેશનો વચ્ચે મેટ્રો દોડશે.
ડીએન નગર અને મંડલા વચ્ચે 23.6 કિમી લાંબો મેટ્રો રૂટ બનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર રૂટનું સિવિલ વર્ક પૂર્ણ ન થવાને કારણે, પ્રથમ તબક્કામાં ફક્ત 5.6 કિમીના રૂટ પર સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5.6 કિમી લાંબા આ રૂટમાં મંડલા, માનખુર્દ, બીએસએનએલ, છત્રપતિ શિવાજી મહારાજ ચોક અને ડાયમંડ ગાર્ડન સ્ટેશનો હશે.
મેટ્રો 2B, એલિવેટેડ રૂટ
‘મેટ્રો 2B’, જે મંડલા-ચેમ્બુર રૂટ છે. આ એલિવેટેડ રૂટ મંડલાથી ESIC નગર (અંધેરી પશ્ચિમ) સુધી દોડશે. આ રૂટનો પ્રથમ તબક્કો મંડલાથી ડાયમંડ ગાર્ડન, ચેમ્બુર સુધીનો છે. આ પ્રથમ તબક્કા માટે સલામતી પ્રમાણપત્ર, વિવિધ પરીક્ષણો અને નિરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે. નિરીક્ષણ પૂર્ણ થયાના પંદર દિવસ પછી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને સલામતી પ્રમાણપત્ર મળ્યું.
આ પણ વાંચો…મેટ્રો 3 શરુ થતા મુંબઈ શહેરે મેળવી મોટી સિદ્ધિ: પહેલા દિવસે 1.46 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી