Metro 9: દહિસરથી ભાયંદર મેટ્રો અંગેની જાણો નવી અપડેટ, ક્યારે શરુ થશે?
મુંબઈ: મુંબઈમાં વિવિધ મેટ્રોનું કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે મેટ્રો-થ્રી શરુ કરવા માટે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મુંબઈ રિજનમાં વધુ એક મેટ્રો ટ્રેનને તૈયાર કરવામાં આવશે તેના અંગે નવી અપડેટ મળી છે. દહિસર ચેકનાકાથી સુભાષચંદ્ર બોઝ મેદાન સુધી મેટ્રો-૯ની સેવા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. હાલના તબક્કે મેટ્રો-૯નું કામ ૮૭ ટકા પૂર્ણ થયું હોવાની માહિતી એમએમઆરડીએએ આપી છે.
૨૦૨૧માં આ મેટ્રો લાઇન માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને ૨૦૨૨માં તે શરૂ કરવામાં આવે એવી શક્યતા હતી, પરંતુ અમુક કારણસર આ માર્ગનું કામ રખડી પડ્યું હતું. હવે દહિસર ચેકનાકાથી સુભાષચંદ્ર બોઝ મેદાન સુધીનો મેટ્રો-૯નો માર્ગ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી શરૂ થવાનું નવું મુહૂર્ત છે.
આ પણ વાંચો: મેટ્રો-૩: સ્ટેશનના વિસ્તારોમાં વૃક્ષારોપણ માટે કેટલો થશે ખર્ચ?
દહિસરથી ભાયંદર પશ્ચિમ સુધીનો મીરા-ભાયંદર મેટ્રો માર્ગ ૧૦.૪૧ કિલોમીટરનો હશે. આ માર્ગ પર આઠ સ્ટેશન અને સંપૂર્ણ માર્ગ એલિવેટેડ હશે. ટ્રાફિકજેમની સમસ્યાને ડામવા માટે મેટ્રોના નીચે હાટકેશથી ગોલ્ડન નેસ્ટ સર્કલ સુધી ત્રણ ફ્લાયઓવર તૈયાર કરવામાં આવશે જેમાંથી હાટકેશથી સાઇ બાબા નગર સુધીનો ફ્લાયઓવર તૈયાર થઇ ગયો છે.
આઠ સ્ટેશનમાં દહિસર, પાંડુરંગવાડી, મીરા-ગાંવ, કાશિગાંવ, સાઇબાબા નગર, મેડતિયા નગર, શહિદ ભગતસિંહ ઉદ્યાન (ભાયંદર પશ્ચિમ), સુભાષચંદ્ર બોઝ મેદાન (ભાયંદર પશ્ચિમ)નો સમાવેશ થશે. એમએમઆરડીએ દ્વારા બે તબક્કામાં મેટ્રો-૯ શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ડિસેમ્બર, ૨૦૨૪ સુધી દહિસરથી કાશીગાંવ સુધી, જ્યારે ડિસેમ્બર, ૨૦૨૫ સુધી કાશીગાંવથી સુભાષચંદ્ર બોઝ મેદાન એટલે ભાયંદર પશ્ચિમ સુધી શરૂ થશે.