આમચી મુંબઈ

‘પાણીની સમસ્યા’ મુદ્દે જાણો મોટા ન્યૂઝ, પ્રશાસને હાથ ધરી મોટી કામગીરી

મુંબઈ: મુંબઈ અને ઉપનગરોમાં પાણીની અછત ગંભીર મુદ્દો બન્યો છે. મુંબઈ શહેરમાં પાણીની અછત નિર્માણ થયાની સાથે અનેક ભાગોમાં ઘણા દિવસો સુધી નાગરિકોને પાણી વગર રહેવું પડે છે. મુંબઈગરાઓની આ સમસ્યાને દૂર કરવા માટે મુંબઈ પાલિકા પ્રશાસન દ્વારા ભાંડુપ, કુર્લા, ઘાટકોપર પશ્ચિમ, વિક્રોલી, અંધેરી પૂર્વ અને ગોરાઈ ભાગમાં પાણીની નવી પાઇપલાઇન નાખવાની સાથે પાણીનો પુરવઠો કરવા ટાંકી પણ બેસાડવાના પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યા છે.

મુંબઈના શહેરોમાં પાણી પુરવઠાને નિયમિત કરવા માટે 162.83 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ડિસેમ્બર 2024ના અંત સુધી નવી પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થશે એવી અપેક્ષા પાલિકાને છે. મુંબઈમાં અનેક વિસ્તારોમાં ઓછા દબાણે પાણીનો પુરવઠો થતાં ડુંગરાળ ભાગોમાં પાણી ચઢવામાં મુશ્કેલી આવે છે તેમ જ અનેક ભાગોમાં પાઇપલાઇન ખૂબ જ જૂની થઈ જતાં પાણી ગળતીની સમસ્યા પણ નિર્માણ થઈ છે.

આ બધી સમસ્યાને લીધે શહેરમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેને આ પ્રકલ્પ વડે દૂર કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી. ભાંડુપ પશ્ચિમ પરિસરમાં ભાંડુપ હિલ જળાશય નંબર બે અને મંગતરામ પેટ્રોલ પંપ ખાતે અનેક વર્ષો જૂની અને જર્જરિત પાણીની પાઇપલાઇનને બદલવાનું કામ ચાલી રહ્યું છે.

આ કામકાજ પૂર્ણ થયા બાદ ભાંડુપના પ્રતાપનગર વિસ્તારમાં પાણીનો મુદ્દો ઉકેલાઈ જશે. તેમ જ ‘એસ’ અન ‘એન’ વોર્ડમાં ધીમા પ્રવાહે પાણીનો પુરવઠો થવાની સમસ્યા પણ દૂર થશે એવી માહિતી અધિકારીએ આપી હતી.

ભાંડુપ પશ્ચિમમાં નવી પાઇપલાઇન માટે 22.78 કરોડનો ખર્ચ કરી કામ જાન્યુઆરી 2025 સુધી પૂર્ણ થશે. અંધેરી પૂર્વના ‘કે’ વોર્ડમાં નવી પાઇપલાઇન નાખવાથી પાણીની ગળતી અટકાશે. આ કામ માર્ચ 2024 સુધી પૂર્ણ થતાં 40.17 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.

ગોરાઈ વિસ્તારમાં ડુંગરાળ ભાગોમાં પાણી પુરવઠો કરવા માટે રૂ. 9.47 કરોડ રૂપિયાના ખર્ચે સંગ્રહ ટાંકી, પમ્પિંગ સ્ટેશન અને નવી પાઇપલાઇન નાખી કામને ડિસેમ્બર 2024 સુધી પૂર્ણ કરવાનો પાલિકાનો લક્ષ્યાંક છે.

કુર્લા ‘એલ’ વોર્ડમાં આવેલા પ્રમોદ મહાજન ઉદ્યાનમાં એક 14 લાખ લિટરની પાણીની ટાંકીનું ઑક્ટોબર 2024 સુધી નિર્માણ કરવામાં આવવાનું છે. આ કામો માટે 17.7 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

ઘાટકોપર પશ્ચિમના ‘એન’ વોર્ડમાં અને વિક્રોલી પશ્ચિમમાં આનંદગઢ, પંચશીલ સોસાયટી, વર્ષાનગર અને રામ નગર વિસ્તારને પાણી પુરવઠો કરવા માટે રૂ. 73.24 કરોડના ખર્ચે વિક્રોલી પાર્ક સાઈટ, સી કોલોની ખાતેના શિવાજી મેદાનમાં 22 લાખ લિટર ક્ષમતાવાળી પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button