ટિટવાલા નજીક ટ્રેનમાં ચાકુ હુલાવી પ્રવાસીની હત્યા: બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચાલતી લોકલ ટ્રેનમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવામાં આવી હોવાની આંચકાજનક ઘટના ટિટવાલા નજીક બની હતી. આ હુમલામાં મૃતકના મિત્રને પણ ઇજા થઈ હતી. પોલીસે હુમલો કરનારા બે જણની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર બેની શોધ હાથ ધરી હતી.
કલ્યાણ રેલવે પોલીસના જણાવ્યા મુજબ 27 એપ્રિલની મધરાતે 2.15 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં દત્તા દુંદા ભોઈર (55) ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર દરમિયાન ગુરુવારે સાંજે થાણેની હૉસ્પિટલમાં ભોઈરનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા બન્ને આરોપીની ઓળખ અમોલ પરદેશી (40) અને તનુજ જમ્મુવાલ (21) તરીકે થઈ હતી.
શાહપુરમાં રહેતો ફરિયાદી પ્રદીપ શિરોસે (40) એક સગાને ઘેર લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હોવાથી 27 એપ્રિલની રાતે ભોઈર સહિત ત્રણ મિત્ર સાથે ઉલ્હાસનગર ગયો હતો. કાર્યક્રમ પત્યા પછી ચારેય જણ શહાડ સ્ટેશને આવ્યા હતા અને કસારા ટ્રેનમાં ચઢ્યા હતા. દારૂ પીધો હોવાથી ચારેય મિત્ર ટ્રેનમાં મોટે મોટેથી વાતચીત કરી આપસમાં મજાક કરી રહ્યા હતા.
આપણ વાંચો: મોટો ખુલાસો : સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ ગોલ્ડી બ્રાર જીવિત છે
પોલીસ ફરિયાદ અનુસાર 2.10 વાગ્યાની આસપાસ ટ્રેન ટિટવાલા સ્ટેશનેથી ઊપડી ત્યારે દરવાજા પાસે ઊભેલા ચારમાંથી બે આરોપી ફરિયાદીની નજીક આવ્યા હતા. મોટે મોટેથી બોલવા બદલ ઝઘડો કરી એક આરોપીએ ચાકુથી હુમલો કર્યો હતો. ભોઈરના પેટ અને હાથ પર ત્રણ ઘા ઝીંકવામાં આવતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. મધ્યસ્થી કરનારા ફરિયાદી શિરોસેના હાથ પર પણ ચાકુથી ઘા કરવામાં આવ્યો હતો. બાદમાં બીજા આરોપીએ પટ્ટાથી બન્નેને ફટકાર્યા હતા. ટ્રેનમાં હાજર એક પ્રવાસીએ મોબાઈલથી આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું, જેનો વીડિયો પછી વાયરલ થયો હતો.
ટ્રેન વાશિંદ રેલવે સ્ટેશને પહોંચી ત્યારે આરોપી સ્ટેશન પર ઊતરીને ભાગવા લાગ્યા હતા. ફરિયાદીએ બૂમાબૂમ કરતાં સ્ટેશન પર હાજર રેલવે પોલીસે બે આરોપીને પકડી પાડ્યા હતા, જ્યારે તેમના બે સાથી ફરાર થઈ ગયા હતા. ભોઈરને વાશિંદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પછી આસનગાંવની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે સ્વાસ્થ્ય વધુ કથળતાં તેને થાણેની હૉસ્પિટલમાં ખસેડાયો હતો.