સ્વાતંત્ર્ય દિવસે માંસના વેચાણ પર પ્રતિબંધ:કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...

સ્વાતંત્ર્ય દિવસે માંસના વેચાણ પર પ્રતિબંધ:કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…

થાણે: સ્વાતંત્ર્ય દિવસે માંસનું વેચાણ કરતી દુકાનો તેમ જ કતલખાનાં બંધ રાખવા માટે કલ્યાણ પાલિકા દ્વારા આદેશ જારી કરવામાં આવતાં અમુક રાજકીય પક્ષો અને કતલખાનાં સંગઠન આક્રમક બન્યાં છે. તેમણે વિરોધ કરવાની ચેતવણી આપી હોવાથી કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યમાં કલ્યાણ-ડોંબિવલી, નાગપુર, નાશિક, માલેગાંવ અને છત્રપતિ સંભાજીનગર મહાપાલિકા દ્વારા પંદરમી ઑગસ્ટે તેમની હદમાં કતલખાનાં અને માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે, જેની સામે વિરોધ કરાયો છે. આમાંથી અમુકે કહ્યું કે તો પછી આગામી દિવસોમાં હિન્દુ અને જૈન તહેવારોમાં પણ આ એકમો બંધ કરવામાં આવશે.

આ મુદ્દા પર ભાજપ અને એનસીપીમાં ભિન્ન-મત છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે લોકોએ શું ખાવું જોઇએ અને શું નહીં ખાવું જોઇએ તે બાબતમાં ચંચુપાપ કરવામાં સરકારને રસ નથી. કલ્યાણ ઝોન-3ના ડીસીપી અતુર ઝેંડેએ જણાવ્યું હતું કે કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાની હદમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઇ અનિચ્છનીય ટાળવા માટે બારીકાઇથી નજર રાખવામાં આવી રહી છે.

કલ્યાણ-ડોંબિવલી પાલિકાની હદમાં અમુક રાજકીય પક્ષોએ માંસ વેચતા સ્ટોલ ગોઠવીને, માંસનું વેચાણ કરીને અને મેળાવડાનું આયોજનક કરીને વિરોધ કરવાની ચેતવણી આપી છે. ડીસીપી ઝેંડેએ જણાવ્યું હતું કે જો કોઇ આવા પ્રયાસ કરશે તો તેમને નોટિસ ફટકારવામાં આવશે. પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરવાનું વિચારી રહી છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે મોટે ભાગે આંદોલન સોશ્યલ મીડિયા થતી થઇ રહ્યાં છે. જૂજ રાજકીય પક્ષોએ વિરોધ કરવા વિધિસર રીતે અમારી પાસે પરવાનગી માગી છે. કલ્યાણ-ડોંબિવલી પાલિકાએ તાજેતરમાં આદેશ જારી કર્યો છે કે તેની હદના તમામ કતલખાનાં, બકરી, ઘેટા, ચિકન, મોટાં જનાવરોનું માંસ વેચવાનું 14 ઑગસ્ટે રાતે 12થી પંદરમી ઑગસ્ટે રાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે. જો કોઇ ઉલ્લંઘન કરશે તો મહાપાલિકા ધારા 1949 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button