પુણેથી અપહૃત એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની અહમદનગરમાં હત્યા

પુણે: પુણેથી કથિત રીતે અપહરણ કરાયેલી 22 વર્ષની કૉલેજની વિદ્યાર્થિનીનો હત્યા કરાયેલો મૃતદેહ અહમદનગર જિલ્લામાંથી મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ નવ લાખ રૂપિયાની ખંડણી માટે કૉલેજ ફ્રેન્ડ સહિત ત્રણ જણે વિદ્યાર્થિનીનું કથિત અપહરણ કર્યું હતું. જોકે બાદમાં ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો હત્યાકેસનો, આરોપી 29 વર્ષ બાદ વલસાડથી પકડાયો
પુણેના વાઘોલી પરિસરમાં આવેલી કૉલેજમાં વિદ્યાર્થિની એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. 29 માર્ચે કૉલેજનો મિત્ર અને અન્ય બે જણ વિદ્યાર્થિનીને મળ્યા હતા અને તેને હોસ્ટેલમાં છોડવા ગયા હતા. જોકે બીજે દિવસે આરોપીઓ વિદ્યાર્થિનીને અહમદનગર લઈ ગયા હતા અને તેના પરિવારજનો પાસેથી નવ લાખ રૂપિયાની માગણી કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અહમદનગરમાં ગળું દબાવીને વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવ્યા પછી તેના મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ વિદ્યાર્થિનીના મોબાઈલ ફોનમાંથી સિમ કાર્ડ પણ કાઢી લીધું હતું.
આ પણ વાંચો: વસઇમાં ધોળેદહાડે યુવકની હત્યા: ફરાર આરોપીની 35 વર્ષ બાદ ધરપકડ
દરમિયાન વિદ્યાર્થિનીનો સંપર્ક ન થતાં પરિવારના સભ્યો તપાસ માટે કૉલેજ અને હોસ્ટેલમાં ગયા હતા. વિદ્યાર્થિનીની કોઈ ભાળ ન મળતાં તેમણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે મિસિંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
આરોપીએ વિદ્યાર્થિનીના પરિવારને મેસેજ કરી નવ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મોબાઈલ ફોન ટ્રેસ કરી આરોપીઓને તાબામાં લીધા હતા. આરોપીએ કરેલી કબૂલાત પછી હત્યાની વાત સામે આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
(પીટીઆઈ)