ખીચડી, કોવિડ, બોડી બેગ કૌભાંડ ભૂલી ગયા કે શુઃ ફડણવીસ
વિધાનસભાનું સત્ર શરૂ થયા પહેલા ફડણવીસ વિપક્ષ પર વરસ્યા

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થઇ ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભાનું પહેલું સત્ર ગુરુવારથી શરૂ થયું હતું અને ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા જ વિરોધ પક્ષ પર સત્તાધારી પક્ષ દબાણ બનાવવાની રણનિતી સાથે તૈયાર હોય તેવું જણાઇ રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ચોમાસું સત્ર શરૂ થાય એ પહેલા એક પત્રકાર પરિષદ યોજી હતી અને તે વિધાનસભામાં વિરોધ પક્ષ પર સકંજો કસવા માટે તૈયાર હોવાનું એલાન કર્યું હતું.
વિરોધ પક્ષે ઔપચારિક ટી-પાર્ટીનો બહિષ્કાર કર્યો ત્યારબાદ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ફડણવીસે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડીએ જુઠ્ઠાણાની ફેક્ટરી ખોલીને રાખી છે અને વિધાનસભાના આ સત્રમાં અમે તેમને ઉઘાડા પાડીશું. વિપક્ષની નીતિ બિનધાસ્ત ખોટું બોલવાની હોવાનું ફડણવીસે કહ્યું હતુ. મુખ્ય પ્રધાન શિંદેએ પણ લોકસભાની ચૂંટણીમાં વિપક્ષે ખોટો પ્રચાર કર્યો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : હવે થાણે-મીરા-ભાયંદરમાં પણ ફરશે બુલડોઝરઃ જાણો મુખ્ય પ્રધાને શું આદેશ આપ્યો?
વિપક્ષ દ્વારા સરકારને લખવામાં આવેલા પત્ર વિશે ફડણવીસે કહ્યું હતું કે વિપક્ષને ખોટું બોલવાની આદત છે. તેમણે સૌપ્રથમ અરીસામાં જોવું જોઇએ. તેમણે વિદર્ભમાં સિંચન વ્યવસ્થાની અસફળતાની વાત કરી છે. પુણેમાં થયેલો પોર્શ કાર એક્સિડન્ટ દુર્ભાગ્યપૂર્ણ છે.
ફડણવીસે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ અમે 40 ટકાની સરકાર કહી રહ્યા છે. શું તે બોડી બેગ કૌભાંડ, ખીચડી કૌભાંડ, કોવિડ કૌભાંડ ભૂલી ગયા છે? વિધાનસભાનું સત્ર શરૂ થાય એ પહેલા જ આ પ્રકારના નિવેદન સામે આવતા ચોમાસું સત્ર ધમાકેદાર રહેશે તેવી શક્યતા જણાઇ રહી છે.