ખારઘરના રહેવાસીએ ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.22 કરોડ ગુમાવ્યા
થાણે: નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં રહેનારા 45 વર્ષના શખસે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.22 કરોડથી વધુ ગુમાવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
શખસની ફરિયાદને આધારે સાયબર પોલીસે શુક્રવારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
સિનિયર ઇન્સ્પેક્ટર ગજાનન કદમે જણાવ્યું હતું કે આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી. ફરિયાદીએ નવેમ્બર, 2023થી માર્ચ, 2024 દરમિયાન રૂ. 1.22 કરોડનું રોકાણ કર્યું હતું.
જાન્યુઆરીમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે તેના ફોરેક્સ ટ્રેડિંગ એકાઉન્ટમાં નફા સહિત રૂ. 2.54 કરોડ હતા, પણ તે રૂપિયા ઉપાડી શકતો નહોતો.
આરોપીઓએ તેને ટેક્સ પેટે રૂ. 48 લાખ અને કરન્સી ક્ધવર્ઝન ચાર્જ પેટે રૂ. 17.85 લાખ ભરવા માટે કહ્યું હતું. ફરિયાદીએ એ રૂપિયા ચૂકવી દીધા છતાં તેને રોકાણ કરેલા રૂપિયા કે નફો મળ્યા નહોતાં. આથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ પ્રકરણે તપાસ કરી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)