મુંબઈના વધુ એક સ્ટેશનની થઈ કાયાપલટ, જાણો શું મળશે સુવિધા?

મુંબઈઃ મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) દ્વારા ₹ 85 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ અપગ્રેડેડ ખાર રોડ સ્ટેશન હવે બહેતર સુવિધાઓ અને સુધારેલા સુરક્ષા માળખા સાથે 1.6 લાખ દૈનિક પ્રવાસીઓને સેવા આપવા માટે તૈયાર છે. એમઆરવીસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્ટેશનની સૌથી વિશિષ્ટ વિશેષતાઓમાંની એક અત્યાધુનિક હોમ પ્લેટફોર્મ છે, જેની લંબાઈ 270 મીટર અને પહોળાઈ 10 મીટર છે, જે પીક અવર્સ દરમિયાન ભીડ ઓછી કરવા સક્ષમ છે.
નોંધપાત્ર બાબત એ છે કે પાટા ઉપર બનેલો વિશાળ એલિવેટેડ ડેક – પશ્ચિમ રેલવેના ઉપનગરીય નેટવર્કમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડેક છે. કુલ 4,952 ચોરસ મીટર વિસ્તારને આવરી લેતા ડેકને માળખાકીય રીતે લગભગ 4,393 ચોરસ મીટરના મુખ્ય પ્લેટફોર્મ વિસ્તારમાં અને લગભગ 413 ચોરસ મીટરના સહાયક વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. 31 મીટર લાંબો સ્કાયવોક બનાવવામાં આવ્યો છે, જે રાહદારીઓ માટે સીધો માર્ગ પૂરો પાડે છે.

પુનઃવિકાસ કરાયેલ સ્ટેશન પર પાંચ એસ્કેલેટર, ત્રણ લિફ્ટ અને હેન્ડ્રેલ્સ સાથે સારી રીતે ગ્રેડ કરેલ રેમ્પ છે જે MCGM રોડને સીધા સ્ટેશન પ્લેટફોર્મ સાથે જોડે છે. આ સુધારાઓ અપંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથેના પરિવારો માટે ઉપયોગી થશે.
અધિકારીઓએ કહ્યું કે અપગ્રેડેડ સ્ટેશન સુવિધા અને ઊર્જા કાર્યક્ષમતા બંનેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વેઈટિંગ રુમના પરિસરમાં વેન્ટિલેશન સુધારવા માટે હાઇ વોલ્યુમ લો સ્પીડ (HVLS) પંખા બેસાડ્યા છે અને વધુ સારી દૃશ્યતા અને ઓછા વીજ વપરાશ માટે LED લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રવાસીઓની સુવિધા માટે બે આધુનિક બુકિંગ ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે, એક ગ્રાઉન્ડ ફ્લોર પર અને બીજી ડેક પર. આમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમર્પિત કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દૈનિક કામગીરી માટે એક નવું સ્ટેશન મેનેજરનું કાર્યાલય અને મુસાફરોની સેવામાં સુધારો કરતું એક ડિલક્સ ટોઇલેટ બનાવવામાં આવ્યું છે.

ખાર રોડ પરનું આ પરિવર્તન MUTP-3A યોજના હેઠળ MRVCની યોજના મુજબ વ્યાપક પુનર્ગઠનની શરૂઆત છે. આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના 7 અને મધ્ય રેલવેના 10 મળીને 17 ઉપનગરીય સ્ટેશનો આવરી લેવામાં આવ્યા છે. પશ્ચિમ લાઇન પર, સાંતાક્રુઝ, કાંદિવલી, મીરા રોડ, ભાયંદર, વસઈ અને નાલાસોપારા સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે. સેન્ટ્રલ લાઇન પર, કસારા, નેરલ, ડોમ્બિવલી, મુલુંડ, ભાંડુપ, ઘાટકોપર, ગોવંડી, માનખુર્દ, ચેમ્બુર અને ગુરુ તેગ બહાદુર નગર જેવા મુખ્ય સ્ટેશનો પર પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાટકોપર સ્ટેશન પર અપગ્રેડનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે, જ્યારે બીજો તબક્કો પૂર્ણ થવાના આરે છે. રોજ 75 લાખથી વધુ મુસાફરો ઉપનગરીય રેલ નેટવર્કનો ઉપયોગ કરે છે, શહેરના મોટા ભાગના રેલવે સ્ટેશનો લાંબા સમયથી માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે છે, તેથી પ્રવાસીઓને હાલાકી પડે છે.