ખાર, પાલી હિલ વિસ્તારમાં શનિવારે ઓછા દબાણ સાથે પાણી પુરવઠો

ચારથી પાંચ દિવસ પાણી ઉકાળીને પીવું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના બાન્દ્રા પશ્ર્ચિમમાં પાલી હિલ જળાશયમાં ઈનલેટ પર વાલ્વનું સમારકામ શનિવાર, ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના કરવામાં આવવાનું છે. આ કામ મધરાતના એક વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી કરવામાં આવશે. તેથી આ સમારકામને કારણે એચ-પશ્ર્ચિમ વોર્ડના અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. તેથી નાગરિકોને પાણીનો ઉપયોગ કરકસર સાથે કરવાની અપીલ કરવામાં આવી છે. આ સમારકામ બાદ ચારથી પાંચ દિવસ નાગરિકોને પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સલાહ પણ આપવામાં આવી છે.
પાણી પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ એચ-પશ્ર્ચિમ વોર્ડમાં ખાર પશ્ચીમનો અમુક ભાગ, દાંડપાડા, ગઝદરબંધ વિસ્તારમાં સવારના ૬.૩૦થી ૮.૩૦ વાગ્યા દરમ્યાન થતા પાણી પુરવઠાના સમયમાં ફેરફાર થશે અને અહીં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે. કાંતવાડી, પાલી નાકા, પાણી ગાવઠણ, રાજન અને માલા ગામનો વિસ્તાર, ખારદાંડા કોળીવાડા, દાંડપાડા, હનુમાન નગર, લક્ષ્મી નગર, યુનિયન ઉદ્યાન રોડ નંબર એકથી ચાર, પાલીહિલ વિસ્તારમાં પાણીપુરવઠાના સમયમાં ફેરફાર રહેશે.



