મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડમાં સંજય રાઉતના નજીકના સાથીની મુખ્ય ભૂમિકા : ઇડીની ચાર્જશીટમાં આરોપ
મુંબઈ કોવિડ સેન્ટર કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) રાજ્યસભા સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતના નજીકના સાથી સુજીત પાટકર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ ઉદ્યોગપતિ સુજીત પાટકરે મુંબઈમાં જમ્બો કોવિડ-19 સેન્ટર ચલાવવા માટે તેમની ભાગીદારી પેઢીને સિવિક કોન્ટ્રાક્ટ ફાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઈડી અનુસાર, સુજીત પાટકર રાજકીય રીતે સક્રિય લોકો સાથે તેના સંબંધોને કારણે આ કેન્દ્રો માટે ટેન્ડર પ્રક્રિયા વિશે અગાઉથી માહિતી એકત્ર કરવામાં સફળ રહ્યો હતો. આ સાથે કુલ રૂ.32.44 કરોડના કૌભાંડની રકમમાંથી રૂ.2.81 કરોડની રકમ તેમના અંગત બેંક ખાતામાં મોકલવામાં આવી હતી.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇડીની ચાર્જશીટમાં સુજિત પાટકર ઉપરાંત અન્ય આરોપી તરીકે ફર્મ લાઇફલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસિસ, તેના ત્રણ ભાગીદારો અને દહિસર જમ્બો કોવિડ સેન્ટરના ડીન ડૉ. કિશોર બિસુરનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ સુજીત પાટકર અને કિશોર બિસુરેની ધરપકડ કરી હતી અને હાલમાં બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ચાર્જશીટમાં ઇડીએ જણાવ્યું હતું કે પાટકર લાઇફલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસિસમાં 30 ટકા ભાગ સાથે મુખ્ય ભાગીદારોમાંના એક છે, તેમણે ફર્મની રચના સમયે માત્ર 12,500 રૂપિયાનું રોકાણ કર્યું હતું. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે પાટકર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ પછી અન્ય આરોપીઓએ ભાગીદારો અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે કાવતરું ઘડ્યું અને ટેન્ડર/કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ થયા.
ઈડીની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું કે, જમ્બો કોવિડ સેન્ટરમાં પોસ્ટ કરેલા તેમના સ્ટાફને બિએમસી દ્વારા જારી કરાયેલા એક્સ્પ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ મુજબ નકલી હાજરી રેકોર્ડ બનાવવા માટે કહ્યું. ચાર્જશીટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આયોજન મુજબ મેડિકલ સ્ટાફની ભારે અછત હતી, જેના કારણે કોવિડ-19ના દર્દીઓનો જીવ જોખમમાં હતો.
આરોપીઓએ દહિસર જમ્બો કોવિડ સેન્ટર માટે નકલી, બનાવટી એટેન્ડન્ટ શીટ્સ અને સંબંધિત રેકોર્ડ્સ સબમિટ કર્યા હતા. વર્લી કોવિડ સેન્ટરમાં કોઈપણ એટેન્ડન્ટ ડેટા અને સ્ટાફના રેકોર્ડ વિના બિએમસીને બિલ મોકલવામાં આવ્યું.