કલ્યાણ-ડોંબિવલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો અલગ-અલગ પક્ષમાંથી જીત્યા…

મુંબઈ: મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC)માં કુલ 122 બેઠક છે. મત ગણતરી શરૂ થતાં જ એક જ પરિવારના ત્રણ ઉમેદવાર વિજયી થયા છે. રસપ્રદ વાત છે કે ત્રણેય અલગ અલગ પક્ષોના ઉમેદવારો હતા. તેમની જીત બાદ પરિવારના સદસ્યો ખૂબ ખુશ છે.
આજે મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણી માટે કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો આવી રહ્યા છે. જેમાં ઘણા આશ્ચર્ય પમાડે એવા પરિણામો પણ સામે આવી રહ્યા છે. શિવસેનાના ઉમેદવાર રેખા જનાર્દન મ્હાત્રે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 21 (A)માંથી જીત્યા. જયારે ભાજપના ઉમેદવાર ડો. રવિના રાહુલ મ્હાત્રે વોર્ડ નં. 21 (B )માંથી જીત્યા. મનસેના ઉમેદવાર પ્રહલાદ મ્હાત્રે પણ વોર્ડ નંબર 21 (A) માંથી જીત્યા હતા. અહેવાલ છે કે ત્રણેય એક જ પરિવારના છે.
પુણે, નાગપુર અને થાણેમાં પણ ભાજપ ગઠબંધન બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, પાલિકાની ચૂંટણીમાં 29માંથી 27 નગરપાલિકાઓમાં ભાજપ આગળ છે. તો, કોંગ્રેસે બે જગ્યાએ લીડ મેળવી છે. આ નાગરિક ચૂંટણીઓને લોકસભા અને વિધાનસભા ચૂંટણીની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે.
આ વખતે મુંબઈ મહાનગરપાલિકામાં મોટું સત્તા પરિવર્તન જોવા મળી રહ્યું છે. ભાજપ 30 વર્ષ પછી મુંબઈમાં સત્તા સંભાળવા માટે તૈયાર છે. મુંબઈ મહાનગરપાલિકા એશિયાની સૌથી ધનિક મહાનગરપાલિકા છે.



