
થાણા: શહાડ અંબિવલી સ્ટેશન વચ્ચે એક માલગાડીમાં ગુરુવારે બપોરે ખામી સર્જાતા કસારા માર્ગ પરની સ્થાનિક ટ્રેન સર્વિસ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. માલગાડી અડધો કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા લોકલ ટ્રેનો મોડી પડી રહી હતી.
મધ્ય રેલવે લાઇન પર કર્જત-કસારા માર્ગ મહત્વપૂર્ણ છે. આ વિસ્તારમાં વર્ષોથી મોટા પાયે શહેરીકરણ જોવા મળ્યું છે. લાંબા અંતરની ટ્રેનો કસારા માર્ગ પર નાશિક તરફ આગળ વધે છે. નાશિકથી મુંબઈ અને થાણા તરફ જતા મુસાફરો માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ છે. કસારા વિસ્તારના હજારો કર્મચારીઓ દરરોજ મુંબઈ અને થાણા તરફ આવ જા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કસારા રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. દરમિયાન ગુરુવારે બપોરે 12.50 વાગ્યાના અરસામાં શહાડ આંબીવલી સ્ટેશન વચ્ચે માલગાડીમાં ખામી સર્જાઈ હતી. અચાનક ખામી સર્જાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
આ પણ વાંચો: ‘મરાઠી બોલો નહીં તો નીકળી જાઓ…’ ભાષા વિવાદ લોકલ ટ્રેનમાં પહોંચ્યો; મહિલાઓ ઝઘડી પડી
બે દિવસ પહેલા મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ એક ઉપનગરીય ટ્રેન મુંબઈથી કસારા તરફ જઈ રહી હતી ત્યારે ભૂસ્ખલન થતાં ટ્રેનના પાછળના ત્રીજા કોચના દરવાજા પર ઉભેલા મુસાફરને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.