“કસાબે હેમંત કરકરેની હત્યા નહોતી કરી”, કોંગ્રેસના નેતાના દાવા પર ભાજપના ઉજ્જવલ નિકમે કર્યો વળતો પ્રહાર
કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે તાજેતરમાં 26/11ના મુંબઈ હુમલાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આતંકવાદી અજમલ કસાબે પોલીસ અધિકારી હેમંત કરકરેની હત્યા નથી કરી પરંતુ આરએસએસ સાથે જોડાયેલા એક પોલીસકર્મીએ તેને ગોળી મારી હતી. ઉજ્જવલ નિકમ દેશદ્રોહી છે. જેણે આ હકીકત છુપાવી હતી. હવે કોંગ્રેસ નેતાના આ નિવેદન પર ઉજ્જવલ નિકમે પલટવાર કર્યો છે.
ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે કસાબની ગોળીથી મુંબઈ પોલીસના ત્રણ બહાદુર અધિકારીઓ શહીદ થયા હતા. જેમાંથી એક હતા હેમંત કરકરે. કસાબે પોતે કોર્ટમાં આ નિવેદન આપ્યું છે. શું કોંગ્રેસ કસાબના નિવેદનને ખોટા સાબિત કરવા માંગે છે? કસાબ અને અબુ ઈસ્માઈલે આપણા શહીદ હેમંત કરકરે, સાલસ્કર અને કામટે જેવા અધિકારીઓ પર ગોળીબાર કર્યો હતો. કસાબે પોતે કોર્ટમાં આ વાતની કબૂલાત કરી છે. કસાબને આ જ આધાર પર સજા આપવામાં આવી હતી. હવે તમે કહો છો કે બધું ખોટું છે? શું કસાબનું નિવેદન ખોટું હતું? કોંગ્રેસ તુકારામ ઓમ્બલે અને 26/11ના હુમલામાં શહીદ થયેલા તમામ યુવા અધિકારીઓની શહાદતનું અપમાન કરી રહી છે. ઉજ્જવલ નિકમે વધુમાં કહ્યું હતું કે વિપક્ષના તંબુમાં ગભરાટ ફેલાયો છે, તેથી જ તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.
પાકિસ્તાનને મદદ કરવી એ કોંગ્રેસનો એજન્ડા રહ્યો છે. હવે એ સાબિત થઈ ગયું છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, તેથી આવા બેફામ નિવેદનો કરે છે. કસાબનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો અને સાબિત થયો હતો, તેમ છતાં હજુ પણ કોંગ્રેસને લાગે છે કે કસાબ નિર્દોષ હતો. એમ નિકમે જણાવ્યું હતું.
વિજય વડેટ્ટીવારે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે આતંકવાદી અજમલ કસાબે પોલીસ અધિકારી હેમંત કરકરેની હત્યા નથી કરી પરંતુ RSS સાથે જોડાયેલા એક પોલીસકર્મીએ તેમને ગોળી મારી હતી. એ જાણીતી વાત છે કે ઉજ્જવલ નિકમ 26/11ના કેસમાં સરકારી વકીલ હતા અને મુંબઈ ઉત્તર મધ્યથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડશે.