કર્ણાટકના વેપારીને બંધક બનાવી 2.17 કરોડ રૂપિયા વસૂલવાના કેસમાં મુખ્ય આરોપી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વ્યવસાયમાં આર્થિક રોકાણની લાલચે મીરા રોડમાં બોલાવ્યા પછી પિસ્તોલ-ચાકુની ધાકે કર્ણાટકના વેપારીને ત્રણ દિવસ સુધી બે હોટેલમાં બંધક બનાવી રાખી 2.17 કરોડ રૂપિયા વસૂલવાના કેસમાં કાશીમીરા ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર સુશીલકુમાર શિંદેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ અંકિત બાપુ ઠોંબરે (40) તરીકે થઈ હતી. ડોમ્બિવલીના માનપાડા પરિસરમાં રહેતા અંકિતને નવી મુંબઈથી તાબામાં લેવાયો હતો. તેની પાસેથી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરાઈ હતી. વધુ તપાસ માટે આરોપીને કાશીમીરા પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર કર્ણાટકના વેપારી શમંતકુમાર શડક શરપ્પા કરડેરે (31) ગયા વર્ષે જ વ્યવસાય શરૂ કર્યો હોવાથી તેને રોકાણકારોની જરૂર હતી. એમાં 13 ડિસેમ્બરે અંકિતે ફરિયાદીને વ્હૉટ્સઍપ કૉલ કર્યો હતો. ફરિયાદીના વ્યવસાયમાં રોકાણ કરવાની પોતાની ઇચ્છા હોવાનું અંકિતે કહ્યું હતું અને આ અંગે ચર્ચા કરવા ફરિયાદીને મીરા રોડ બોલાવવામાં આવ્યો હતો.
15 ડિસેમ્બરે મીરા રોડની એક થ્રી સ્ટાર હોટેલની રૂમમાં પહોંચેલા ફરિયાદી સાથે અમુક ચર્ચા કર્યા પછી આરોપીએ કંપનીના બૅન્ક ખાતાની વિગતો અને પાસવર્ડ આપવાનું કહ્યું હતું. ફરિયાદીએ ખાતાની વિગતો અને પાસવર્ડ આપવાનો ઇનકાર કરતાં તેને પિસ્તોલ અને ચાકુની ધાકે બે શખસે બાનમાં લીધા હતા.
ફરિયાદીની મારપીટ કરી તેનો મોબાઈલ ફોન ઝૂંટવી લેવામાં આવ્યો હતો. ફોનમાંથી બૅન્ક વિગતો અને પાસવર્ડ પ્રાપ્ત કરી આરોપીઓએ 2.17 કરોડથી વધુ રૂપિયા અલગ અલગ બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ફરિયાદીને બીજી હોટેલમાં લઈ જવાયો હતો, જ્યાંની રૂમમાં પણ તેને ધમકાવીને બંધક બનાવાયો હતો.
કહેવાય છે કે અંકિત બાથરૂમમાં ગયો હતો ત્યારે તેના સાથી ફોન પર વાત કરતાં હોટેલ લૉબીથી દૂર ગયા હતા. તે સમયે તક ઝડપી ફરિયાદી આરોપીઓની ચુંગાલમાંથી છટકીને કર્ણાટક પહોંચ્યો હતો. ડરના માર્યા ફરિયાદીએ આ મામલે તાત્કાલિ ફરિયાદ નોંધાવી નહોતી. થોડા દિવસ પછી તેણે મહારાષ્ટ્ર પોલીસના સિટીઝન પોર્ટલ પર ફરિયાદ કરી હતી, જેને કારણે તેને કાશીમીરા પોલીસ સ્ટેશને બોલાવાયો હતો. નિવેદન નોંધીને પોલીસે અંકિત સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ અંકિતના બન્ને સાથીની શોધ ચલાવી રહી છે.



