હુમલાખોર ચોરી માટે નહોતો આવ્યો? કરીનાના નિવેદન બાદ મામલો વધુ ગૂંચવાયો

મુંબઇઃ બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પરના હુમલાની તપાસ માટે મુંબઇ પોલીસે 35 ટીમ બનાવી છે અને તેઓ આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. હુમલાખોરને શોધવા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. લગભગ 50 જેટલા લોકો પોલીસની રડાર પર છે. પોલીસ આ બધાની પૂછપરછ કરી રહી છે. હવે સૈફની પત્ની અને અભિનેત્રી કરીના કપૂરે તેનું નિવેદન નોંધાવ્યું છે અને ઘટનાનો ચિતાર આપ્યો છે. કરીનાએ જણાવ્યું હતું કે જ્યારે એણે ઘરમાં હુમલાખોરને જોયો અને સૈફ સાથે તેની ઝપાઝપી થઇ ત્યારે આ બધું જોઇને તે ઘણી જ ગભરાઇ ગઇ હતી. તેણે એમ પણ જણાવ્યું કે ઘરમાં ઘુસેલો ઘુસણખોર ચોરીના ઇરાદામાં સફળ નહોતો થઇ શક્યો.
કરીનાએ પોલીસને આપેલા નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે આરોપી હુમલાખોર ઘણો ગુસ્સામાં હતો અને તેણે સૈફ પર હુમલો કરી દીધો હતો, જેને કારણે સૈફ ઘણો ઘાયલ થઇ ગયો હતો. જોકે, નવાઇની વાત એ હતી કે આરોપીએ ઘરના કિંમતી સામાન, જ્વેલરી જેવી કોઇ પણ ચીજને હાથ સુદ્ધા નહોતો લગાવ્યો. આ ઘટના બાદ તેમનો પૂરો પરિવાર 12મા માળના ડુપ્લેક્સમાં પહોંચ્યો હતો. આ ઘટનાને કારણે કરીના ઘણી જ હચમચી ગઇ છે.
કરીનાએ જણાવ્યું કે જ્યારે તેની બહેન કરિશ્માને આ ઘટનાની જાણ થઇ ત્યારે તે આવીને તેને પોતાના ઘરે લઇ ગઇ હતી. આ ઘટના બાદ પોલીસે કરીના અને સૈફના બિલ્ડિંગની સિક્યોરિટી વધારી દીધી છે. આ ઉપરાંત હાલમાં કરીના કરિશ્માના ઘરે હોવાથી તેના રહેઠાણની આસપાસ પણ સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો…BMCના આ સાહેબોની ચૂંટણી હજુ પૂરી થઈ નથી, ફરજ પર પાછા ન ફરતા પાલિકાએ દંડો ઉગામ્યો
કરીનાના નિવેદન મુજબ હુમલાખોર ચોરી માટે નહોતો આવ્યો. આરોપીએ કરીનાના ઘરમાંથી કોઇ પણ કિંમતી સામાનને હાથ નથી લગાવ્યો. તેના આ નિવેદન બાદ મામલો વધુ ગુંચવાયો છે. પોલીસ હવે વેરની વસુલાત, હત્યા જેવા જુદા જુદા એંગલથી પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. જે રિક્શામાં સૈફ હૉસ્પિટલ પહોંચ્યો એના ડ્રાઇવરની પણ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસને શકમંદ આરોપીની નવી નવી તસવીરો મળી રહી છે. સૈફના ઘરમાંથી ભાગ્યા બાદ તેણે કપડાં બદલી નાખ્યા હતા.
આરોપી જ્યારે પકડાશે ત્યારે તેના નિવેદન બાદ જ એ સ્પષ્ટ થશે કે તેનો ઇરાદો શું હતો. ત્યાં સુધી પોલીસ પણ અંધારામાં જ તીર મારી રહી છે.