કાંજુરમાર્ગ-બદલાપુર મેટ્રો ૧૪ પ્રોજેક્ટ વિલંબમાં: ટેન્ડરને કોઈ પ્રતિસાદ નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કાંજુરમાર્ગ-બદલાપુર મેટ્રો ૧૪ પ્રોજેક્ટ વિલંબમાં: ટેન્ડરને કોઈ પ્રતિસાદ નહીં

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજનને મેટ્રો રેલવે દ્વારા એકબીજાથી નજીક લાવવાની મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની યોજનાને બ્રેક લાગ્યો છે. મુંબઈ-બદલાપુરને જોડનારી કાંજુરમાર્ગ-બદલાપુર મેટ્રો-૧૪ના બાંધકામ માટે બહાર પાડેલા ટેન્ડરને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. તેથી હવે એમએમઆરડીએને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકવી પડવાની છે. તેથી મેટ્રો-૧૪ના કામમાં હજી વિલંબ થવાની શક્યતા જણાઈ રહી છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં હાલ જુદા જુદા રૂટ પર સાત મેટ્રો-રેલના કામ ચાલી રહ્યા છે,જેમાં વધુ બે મેટ્રો રૂટ પર બહુ જલદી કામ શરૂ થવાના છે. જોકે મુંબઈથી બદલાપુર વચ્ચે દોડનારી મેટ્રોના કામ માટે બહાર પાડેલા ટેન્ડરને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. તેથી એમએમઆરડીએને ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકવી પડશે અને તેને કારણે બદલાપુરવાસીઓને મેટ્રોમાં પ્રવાસ કરવા માટે હજી થોડા વર્ષ રાહ જોવી પડવાની છે.

આ પણ વાંચો: મેટ્રોએ કરી મુંબઈમાં મોકાણઃ પાણીની પાઈપલાઈન ફૂટતા આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ

વર્સોવા-ધાટકોપર મેટ્રો-વન અને મુંબઈ એરપોર્ટથી નવી મુંબઈ એરપોર્ટ- મેટ્રો આઠ મુજબ સાર્વજનિક-ખાનગી સહભાગથી આ રૂટ પર કામ કરવા માટે એમએમઆરડીએ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા પણ એક પણ બિડરને આમાં રસ પડ્યો નહોતો. તેથી એક પણ બિડ આવી નહોતી.

એમએમઆરડીએમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સાર્વજનિક-ખાનગી સહભાગથી આ મેટ્રો બનાવવામાં આવવાની હોવાથી કોઈ આગળ આવતું નથી,પ કારણકે અંધેરીથી વર્સોવા વચ્ચે દોડતી મેટ્રો-વન પણ સાર્વજનિક-ખાનગી સહભાગથી ઊભી કરવામાં આવી હતી અને આ રૂટ ખોટમાં જઈ રહ્યો હોઈ તેનું સંચાનલ કરનારી કંપનીના માથા પર મોટું દેવું થઈ ગયું છે.

આ પણ વાંચો: મેટ્રો-થ્રીના પ્રવાસીઓની સંખ્યા ૧૧ લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્ય…

તેથી કંપની તરફથી એમએમઆરડીએને આ મેટ્રોને હસ્તગત કરવાની અનેક વખત માગણી કરવામાં આવી છે પણ એમએમારડીએ દ્વારા ચોખ્ખા શબ્દોમાં તેને નકારી દેવામાં આવ્યું છે. તેથી કદાચ મેટ્રો-૧૪ને પણ સાર્વજનિક-ખાનગીને સહભાગથી ઊભી કર્યા બાદ તેમાં પણ નુકસાન થવાનો ડર કદાય બિડરને સતાવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મેટ્રો -૧૪ કાંજુરમાર્ગ અને બદલાપુર વચ્ચે ૩૯ કિલોમીટર લાંબી મેટ્રો હશે, જેમાં ૧૫ સ્ટેશનનો સમાવેશ થાય છે. કાંજુરમાર્ગ-ઘણસોલી વચ્ચે આ રૂટ અંડરગ્રાઉન્ડ હશે. તો ઘણસોલી-બદલાપૂર વચ્ચે એલિવેટેડ રૂટ હશે. મહત્ત્વનું એટલે કે ૩૯ કિલોમીટર લંબાઈના આરૂટમાં ૪.૩૮ કિલોમીટરનો માર્ગ પારસિક હિલમાંથી પસાર થશે. તો બાકીની ૫.૭ કિલોમીટર લંબાઈનો રૂટ થાણે ખાડી પરિસરમાંથી પસાર થશે. મેટ્રો ૧૪ માટે લગભગ ૧૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button