કંગના રનૌત આવી એકનાથ શિંદેના સમર્થનમાં, જાણો શું કહ્યું અવિમુક્તેશ્વરાનંદને?

મુંબઈ: બદ્રીનાથ જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સ્વામી તાજેતરમાં જ મુબઈ આવ્યા હતા અને એ દરમિયાન તે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા. એ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરે વિશ્ર્વાસઘાતનો ભોગ બન્યા હોવાનું તેમ જ મહારાષ્ટ્રની જનતા ફરી તેમને મુખ્ય પ્રધાન તરીકે જોવા માગતા હોવાનું કહ્યું હતું.
જોકે હવે બોલીવુડ અભિનેત્રી તેમ જ હાલમાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બનેલા કંગના રનૌત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સમર્થનમાં ઉતર્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ (પહેલા ટ્વિટર) પર એકનાથ શિંદેના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી.
કંગનાએ મૂકેલી પોસ્ટમાં જણાવાયું હતું કે રાજકારણમાં યુતિ, આઘાડી, પક્ષ અને નેતાઓ વચ્ચે કરાર થવા, કોઇ પક્ષનું વિભાજન થવું એ બધી અત્યંત સામાન્ય અને બંધારણને અનુરૂપ બાબતો છે. 1907ની સાલમાં, 1971ની સાલમાં કૉંગ્રેસ પક્ષનું વિભાજન થયું હતું. રાજકારણીઓ રાજકારણ નહીં કરે તો શું તે ગોલગપ્પા(પાણીપુરી) વેચશે?
આ પણ વાંચો : બાળ ઠાકરેના વિચારોને ટકાવવા માટે સત્તા પરિવર્તન કરનારા એકનાથ શિંદે ખરા રાષ્ટ્રભક્ત: જગદ્ગુરુ પરમહંસ આચાર્ય
કંગનાએ પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે શંકરાચાર્ય એ તેમના શબ્દોનો, પ્રભાવનો અને ધાર્મિક શિક્ષણનો દુરુપયોગ કર્યો છે. ધર્મ કહે છે કે રાજા જ્યારે પ્રજાનું શોષણ કરે તો દેશદ્રોહ એ જ છેલ્લો ધર્મ છે.
શંકરાચાર્યએ અમારા મહારાષ્ટ્રના લાડકા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું અપમાન કર્યું છે. શંકરાચાર્યએ તેમની માટે ગદ્દાર, વિશ્વાસઘાતી અને દેશદ્રોહી જેવા શબ્દોનો ઉપયોગ કરી લોકોની ભાવનાને દુભાવી છે. શંકરાચાર્યએ આવી ક્ષુલ્લક અને હીન વાતો કરીને હિંદુ ધર્મની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી છે, એમ લખીને કંગનાએ શિંદેનો બચાવ કર્યો હતો તેમ જ શંકરાચાર્યએ કહેલી વાતોની ટીકા કરી હતી.