કાંદિવલીમાં રોડ રેજની ઘટના: પૂજારી પર ચાકુથી હુમલો કરી ફટકારનારા બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીમાં રોડ રેજની ઘટનામાં પૂજારી પર ચાકુથી હુમલો કર્યા બાદ બેરહેમીથી ફટકારવામાં આવતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર તેમના બે સાથીની શોધ હાથ ધરી હતી. પૂજાપાઠ પતાવી ઘરે જવા નીકળેલા પૂજારીના સ્કૂટરને ટક્કર માર્યા બાદ બાઈકસવારે તેના ત્રણ મિત્રોની મદદથી પૂજારી અને તેના સાળા પર હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
કાંદિવલી પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ પ્રથમ દિગંબર ખિલ્લારે (22) અને છોટુ મનિયાર (22) તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની રાતે બની હતી, પરંતુ પૂજારીએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો. પોલીસની સમજાવટ પછી રવિવારની સાંજે પૂજારીએ ફરિયાદ નોંધવવાની તૈયારી દાખવી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર કાંદિવલી પશ્ર્ચિમમાં ન્યૂ લિંક રોડ ખાતે રહેતો આશિષકુમાર દુબે (34) શનિવારે સાંજે કાંદિવલીની ઈરાની વાડી સ્થિત એક રહેવાસીને ઘેર પૂજાપાઠ માટે ગયો હતો. પૂજા પતાવી તે સાળા અજિત અગ્નિહોત્રી સાથે સ્કૂટ પર ઘરે જવા નીકળ્યો હતો. રાતે 10.45 વાગ્યે કાંદિવલીના જ અભિલાખ નગર પાસે સ્કૂટર પહોંચ્યું ત્યારે આરોપી ખિલ્લારેની બાઈકે તેને ટક્કર મારી હતી.
આ પણ વાંચો :કાંદિવલીના યુવકની અપહરણ બાદ હત્યા: મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો
બાઈકની ટક્કરથી દુબે અને અગ્નિહોત્રી સ્કૂટર પરથી નીચે પટકાયા હતા, જેને કારણે દુબેના પગમાં ઇજા થઈ હતી. આ વાતને લઈ દુબે અને અને ખિલ્લારે વચ્ચે રકઝક થઈ હતી. તે સમયે ગુસ્સો બતાવી ખિલ્લારે ત્યાંથી રવાના થઈ ગયો હતો.
દસેક મિનિટ પછી પગનો દુખાવો ઓછો થતાં દુબે અને અગ્નિહોત્રી સ્કૂટર પર ઘરે જવા નીકળ્યા ત્યારે ખિલ્લારે તેના ત્રણ મિત્રો સાથે ત્યાં આવ્યો હતો. દુબેની મારપીટ કરી તેના પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના ડાબા હાથમાં ઇજા થઈ હતી. એક આરોપીએ દુબેને બામ્બુથી ફટકાર્યો હતો. કહેવાય છે કે અગ્નિહોત્રી જીવ બચાવી ભાગ્યો તો એક આરોપીએ પીછો કરી તેને બામ્બુથી માર માર્યો હતો.
બનાવની જાણ થતાં કાંદિવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દુબેને સારવાર માટે શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર પછી દુબેએ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો હતો. પોલીસની વારંવારની સમજાવટ પછી રવિવારે સાંજે દુબેએ આપેલી ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોની મદદથી પોલીસે બન્ને આરોપીને શોધી કાઢ્યા હતા.