
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં 42 વર્ષની મહિલાએ ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યા બાદ રવિવારે મ્હાડાના વરિષ્ઠ અધિકારી એવા તેના પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કાંદિવલી પૂર્વમાં લોખંડવાલા ખાતે સિલ્વર ઓક બિલ્ડિંગમાં આવેલા પોતાના ફ્લેટમાં રેણુ કટારેએ શનિવારે સાંજેે આત્મહત્યા કરી હતી.
દરમિયાન આ પ્રકરણે રેણુના ભાઇ સચિન સેજલે (45) રેણુના પતિ બાપુ શિવાજી કટારે અને સાસુ યમાબાઇ કટારે વિરુદ્ધ વિરુદ્ધ સમતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વિક્રોલીમાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં સાડીથી ગળાફાંસો ખાધો
બાપુ કટારે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા)માં ડેપ્યુટી રજિસ્ટ્રાર છે.
ઘટનાને દિવસે રેણુ કટારેએ તેના ફેમિલી ડોક્ટરને કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે તેનાં સાસરિયાં તેના પરિવારજનોને હેરાન કરી રહ્યા છે. બાદમાં તેણે કૉલ કટ કરી દીધો હતો.
ડોક્ટરે બાદમાં રેણુને કૉલ કર્યો હતો, પરંતુ તેણે કૉલ રિસિવ કર્યા નહોતા. આથી ડોક્ટરે રેણુના ભાઇનો સંપર્ક સાધીને આની જાણ કરી હતી. રેણુના પરિવારજનો પુણેથી તાત્કાલિક મુંબઈ આવ્યા હતા, પરંતું ત્યાં સુધી મોડું થઇ ગયું હતું.
મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો છે કે રેણુનો પતિ અને સાસુ દહેજ માટે તેની સતામણી કરતા હતા. અમે આરોપની તપાસ કરી રહ્યા છીએ અને બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)