પત્ની-પુત્રની હત્યા કરી આત્મહત્યાનો દેખાવ કરનારા પતિનો ભાંડો ફૂટ્યો
પત્નીના આડાસંબંધની શંકા પરથી ઘાતકી પગલું ભરનારા પતિની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલીમાં પત્ની અને આઠ વર્ષના માસૂમ પુત્રની હત્યા કર્યા બાદ તેમણે આત્મહત્યા કરી હોવાનો દેખાવ કરનારા પતિનો આખરે પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. પત્નીના અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની શંકા પરથી ઘાતકી પગલું ભરનારા પતિની પોલીસે ધરપકડ કરી હતી. સમતાનગર પોલીસે મંગળવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ શિવશંકર સુકેન્દ્ર દત્તા (40) તરીકે થઈ હતી. ટેમ્પો ડ્રાઈવર શિવશંકર પત્ની પુષ્પા (36) અને આઠ વર્ષના પુત્ર સાથે છેલ્લા એક વર્ષથી કાંદિવલી પૂર્વમાં નરસીપાડા ખાતેની સરસ્વતી ચાલમાં રહેતો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર સોમવારની બપોરે 12.30 વાગ્યાની આસપાસ શિવશંકરે પોલીસને ફોન કરી પત્ની-પુત્રએ આપઘાત કર્યો હોવાની જાણ કરી હતી. સવારે કામે નીકળી ગયા પછી બપોરે જમવા ઘરે આવ્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી હોવાનું શિવશંકરે પોલીસને કહ્યું હતું. પુષ્પાએ તેના પુત્ર સાથે ઘરમાં સીલિંગના લોખંડના એન્ગલ સાથે નાયલોનની રસી બાંધી ગળાફાંસો ખાધો હતો. આ પ્રકરણે સમતાનગર પોલીસે એડીઆર નોંધી બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. કહેવાય છે કે પોલીસ અને ડૉક્ટરને મૃતદેહોના ગળા પર શંકાસ્પદ નિશાન નજરે પડ્યાં હતાં. વળી, પૂછપરછમાં શિવશંકર વારંવાર નિવેદન બદલતો હોવાનું અને તેના નિવેદનોમાં વિસંગતિ હોવાનું જણાયું હતું. આખરે પોલીસે આકરી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.
Also read: એર ઇન્ડિયાના પાયલટની આત્મહત્યા: આરોપી બોયફ્રેન્ડને મળ્યા જામીન
અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને તેની પત્નીના આડાસંબંધ હોવાની શંકા હતી. આ વાતને લઈ દંપતી વચ્ચે રકઝક પણ થતી. સોમવારની સવારે આરોપીએ નાયલોનની રસીથી ગળું દબાવી પત્નીની હત્યા કરી હતી. પછી તેના શબને એન્ગલ સાથે લટકાવી આત્મહત્યાનો દેખાવ ઊભો કર્યો હતો. જોકે આ કરતી વખતે ઘરમાં હાજર પુત્રએ તેને જોઈ લીધો હતો. પુત્ર સાક્ષી હોવાથી આરોપીએ તેને પણ એ જ રીતે મારી નાખ્યો હતો.