કાંદિવલી અગ્નિકાંડમાં વધુ બે મહિલાનાં મોત: મૃત્યુઆંક થયો ચાર

પોલીસે દુકાનના માલિક અને કેટરિંગ સર્વિસ ઓપરેટર વિરુદ્ધ બેદરકારી બદલ ગુનો નોંધ્યો
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં ગયા સપ્તાહે ગેસ લીકેજને કારણે લાગેલી આગની દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી વધુ બે મહિલાનાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક ચાર થયો છે. પોલીસે હવે દુકાનના માલિક અને કેટરિંગ સર્વિસ ઓપરેટર વિરુદ્ધ બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો હતો, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
મૃતકોની ઓળખ દુકાનમાં કેટરિંગનો વ્યવસાય કરતી શિવાંગી ગાંધી અને દુકાનમાં કામ કરતી નીતુ ગુપ્તા તરીકે થઇ હતી. કાંદિવલી પૂર્વની દુકાનમાં આગ ફાટી નીકળ્યા બાદ બંને જણ 80-90 ટકા દાઝી ગઇ હતી. આ દુર્ઘટનામાં 70 ટકા દાઝી ગયેલી જાનકી ગુપ્તા (39)ની ઐરોલી હોસ્પિટલમાં અને 90 ટકા દાઝેલી દુર્ગાવતી ગુપ્તા (30)ની સારવાર પાલિકા સંચાલિત કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોઇ બંનેની હાલત નાજુક છે.
આ પણ વાંચો: કાંદિવલી ઇન્ડસ્ટ્રિલ એસ્ટેટમાં ભીષણ આગ: જાનહાનિ નહીં…
કાંદિવલી અગ્નિકાંડમાં દાઝી ગયેલી મહિલા રક્ષા જોશીનું ભાયખલાની હોસ્પિટલમાં રવિવારે સવારે, જ્યારે ઐરોલીની હોસ્પિટલમાં પૂનમ પુતાણીનું રવિવારે બપોરે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મનારામ કુમાકટ (55) નામનો શખસ પણ 40 ટકા દાઝી ગયો હતો અને ઐરોલીની હોસ્પિટલમાં તે સારવાર લઇ રહ્યો છે. તેની હાલત સ્થિર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાંદિવલી પૂર્વમાં મિલિટરી રોડ પર રામ કિસન મિસ્ત્રી ચાલમાં ગયા બુધવારે સવારના એક દુકાનમાં ગેસ લીકેજને કારણે સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી, જેમાં સાત લોકો ઘાયલ થયા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દુકાનના માલિક યોગેન્દ્ર મિસ્ત્રી અને ભાડા પર કેટલિંગનો વ્યવસાય ચલાવતી મૃતક શિવાંગી ગાંધી વિરુદ્ધ બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર એક કર્મચારીને ગેસ લીકેજ અંગે જાણ હતી અને દુકાનને તાળું મારતા પહેલા તેણે લીક થનારા સિલેન્ડરને પાણીના ડ્રમમાં મૂકી દીધું હતું. તેઓ જ્યારે પાછા ફર્યા અને દુકાનની લાઇટ ચાલુ કરી ત્યારે આગ ફાટી નીકળી હતી અને ઝડપથી ફેલાઇ હતી.