કાંદિવલી અગ્નિકાંડમાં વધુ બે મહિલાએ દમ તોડ્યો: મૃત્યુઆંક છ થયો

મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં ગયા અઠવાડિયે ગેસ લીકેજને કારણે સિલિન્ડર ફાટ્યા બાદ લાગેલી આગની દુર્ઘટનામાં દાઝી ગયેલી વધુ બે મહિલાનાં મંગળવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થતાં મૃત્યુઆંક છ થયો છે.
કાંદિવલી અગ્નિકાંડમાં જાનકી ગુપ્તા (39) 70 ટકા અને દુર્ગાવતી ગુપ્તા (30) 90 ટકા દાઝી ગઇ હતી. નવી મુંબઈના ઐરોલીની બર્ન્સ હોસ્પિટલમાં બંનેની સારવાર ચાલી રહી હતી, જ્યાં મંગળવારે બંનેએ દમ તોડ્યો હતો.
આ પણ વાંચો: કાંદિવલી અગ્નિકાંડમાં વધુ બે મહિલાનાં મોત: મૃત્યુઆંક થયો ચાર
અગાઉ રક્ષા જોશી, પૂનમ પુતાણી અને નીતુ ગુપ્તાનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં, જ્યારે શિવાંગી ગાંધીનું સોમવારે મોત નીપજ્યું હતું. શિવાંગી ગુપ્તા કાંદિવલી પૂર્વની દુકાનમાં કેટરિંગનો વ્યવસાય કરતી હતી અને નીતુ ત્યાં કામ કરતી હતી.
આગમાં મનારામ કુમાકટ (55) નામનો શખસ પણ 40 ટકા દાઝી ગયો હતો અને ઐરોલીની હોસ્પિટલમાં તે સારવાર લઇ રહ્યો છે. તેની હાલત સ્થિર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાંદિવલી પૂર્વમાં મિલિટરી રોડ પર રામ કિસન મિસ્ત્રી ચાલમાં ગયા બુધવારે સવારના એક દુકાનમાં ગેસ લીકેજને કારણે સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી, જેમાં સાત લોકો ઘાયલ થયા હતા.