કલ્યાણમાં બેભાન કર્યા બાદ યુવતી પર ગેન્ગ રેપ: પાંચ જણ સામે ગુનો
એફઆઇઆરમાં પીડિતાની બે બહેનપણીનાં આરોપી તરીકે નામ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં 21 વર્ષની યુવતીને ઇન્જેકશન આપીને બેભાન કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવા પ્રકરણે પાંચ શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પચીસમી માર્ચે બનેલી આ ઘટના સંદર્ભે કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 મેના રોજ દાખલ એફઆઇઆરમાં પીડિતાની બે બહેનપણીનાં નામ પણ સામેલ છે.
ટિટવાલા ખાતે દાદી સાથે રહેનારી પીડિતા કલ્યાણમાં કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરે છે. 19 માર્ચે દાદી સાથે કોઇ બાબતે ઝઘડો થયા બાદ પીડિતા ટિટવાલામાં અન્ય વિસ્તારમાં તેની બહેનપણીના ઘરે રહેવા આવી ગઇ હતી. પીડિતાની બીજી બહેનપણી નજીકમાં રહેતી હતી.
આપણ વાંચો: સુરત સામૂહિક બળાત્કાર કેસમાં આરોપીનું કબૂલનામુ
બહેનપણીના ઘરે અઠવાડિયું રહ્યા બાદ પીડિતાએ પોતાના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું હતું અને આ અંગે બહેનપણીને પણ જણાવ્યું હતું. પીડિતાએ બાદમાં તેના પરિચિત શખસને કૉલ કર્યો હતો અને તેને ઘરે છોડવા માટે કહ્યું હતું.
દરમિયાન એ શખસ કાર લઇને આવ્યો હતો અને તેની સાથે તેના ચાર મિત્રો પણ કારમાં હાજર હતા. પીડિતાને બંને બહેનપણી પણ તેમની સાથે જોડાઇ ગઇ હતી. કાર ત્યાંથી રવાના થઇ હતી, પણ પીડિતાના ઘરે જવાને બદલે તેને કલ્યાણની કંપની તરફ લઇ જવાઇ હતી.
પીડિતાએ જ્યારે પૂછ્યું કે કારને કેમ અલગ રસ્તે લઇ જવાઇ રહી છે, ત્યારે ડ્રાઇવરે તેને કહ્યું હતું કે તેઓ એક ચાલનું બાંધકામ જોવા જઇ રહ્યા છે અને બાદમાં તેને ઘરે છોડી દેશે.
આપણ વાંચો: બોપદેવ ઘાટમાં સામૂહિક બળાત્કાર પ્રકરણે ત્રણ હજાર મોબાઈલ નંબરની તપાસ
પીડિતાને તેઓ એક રૂમમાં લઇ ગયા હતા, જ્યાં બહેનપણીએ તેને ઇન્જેકશન આપ્યું હતું, જેને કારણે તે બેભાન થઇ ગઇ હતી. ચાર દિવસ બાદ પીડિતા ભાનમાં આવી ત્યારે ઘરની રૂમમાં નગ્ન અવસ્થામાં હતી. તેને ખ્યાલ આવ્યો કે કારમાં હાજર લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આરોપીઓએ પીડિતાને ઘટનાની જાણ કોઇને કરતા અથવા પોલીસનો સંપર્ક સાધતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતા ત્યાર બાદ પોતાના ઘરે પહોંચી હતી અને તેણે તેની દાદીને તમામ હકીકત જણાવી હતી. આખરે સંબંધીઓ સાથે ચર્ચા કર્યા બાદ પીડિતાએ પાંચ શખસ તથા તેની બે બહેનપણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદને આધારે પોલીસે સાત લોકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)