કલ્યાણ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી…
ત્રણ કલાકની તપાસ પછી બૉમ્બની વાત અફવા સાબિત થઈ

થાણે: કલ્યાણ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી ફોન પર મળ્યા પછી પોલીસે ત્રણ કલાક સુધી સ્ટેશન પર તપાસ કરી હતી. સઘન તપાસ બાદ પણ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં બૉમ્બની વાત અફવા હોવાની ખાતરી થઈ હતી.
આ પણ વાંચો : અમિત શાહની આંબેડકર પરની ટિપ્પણી: આ અનાદર સહનશીલતાની બધી હદો વટાવી ગયો છે: ઉદ્ધવ ઠાકરે
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કલ્યાણ સ્ટેશને ધડાકો થવાની માહિતી આપતો કૉલ ઉલ્હાસનગરના સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. મંગળવારની મધરાતે એક વાગ્યાની આસપાસ આવેલો ધમકીભર્યો કૉલ નવી દિલ્હીથી કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
કૉલ કરનારા શખસે દાવો કર્યો હતો કે સેન્ટ્રલ રેલવેના કલ્યાણ સ્ટેશને ધડાકો થશે, એવી જાણકારી એક વ્યક્તિએ તેને આપી હતી. માત્ર આટલી જ માહિતી આપી શખસે કૉલ કટ કર્યો હતો.
સેન્ટ્રલ પોલીસે આ અંગે તાત્કાલિક કલ્યાણના સ્ટેશન મૅનેજર, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) અને ડૉગ સ્ક્વોડને માહિતી આપી હતી. ગણતરીની મિનિટોમાં જ પોલીસની અલગ અલગ ટીમ કલ્યાણ સ્ટેશને પહોંચી ગઈ હતી અને સર્ચ હાથ ધરી હતી. લગભગ ત્રણ કલાક સુધી રેલવે સ્ટેશન અને આસપાસના પરિસરમાં તપાસ કરવામાં આવી હતી.
જોકે આ સમયગાળા દરમિયાન રેલવે સેવાને કોઈ અસર થઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તપાસ દરમિયાન કોઈ બૉમ્બ કે વિસ્ફોટક અથવા શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી. આ પ્રકરણે કૉલ કરનારા અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કૉલ ક્યાંથી આવ્યો હતો તેને પોલીસ ટ્રેસ કરી રહી છે. (પીટીઆઈ)