સગીરને ઘરમાંથી સોનાના દાગીના ચોરવાની ફરજ પાડનારા જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો...
આમચી મુંબઈ

સગીરને ઘરમાંથી સોનાના દાગીના ચોરવાની ફરજ પાડનારા જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો…

થાણે: કલ્યાણમાં પોલીસ કેસનો ભય દેખાડી 16 વર્ષના સગીરને ઘરમાંથી 23 તોલા સોનાના દાગીના ચોરવાની કથિત રીતે ફરજ પાડનારા જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર કલ્યાણમાં રહેતો સગીર ઘર નજીકના જિમમાં એક્સેસાઈઝ માટે જતો હતો. તે સમયે તેની ઓળખાણ આરોપી જિમ ટ્રેઈનર સાથે થઈ હતી. આરોપીએ સગીરની ઓળખાણ તેની ગર્લફ્રેન્ડ સાથે કરાવી હતી.

બાદમાં સગીર નિયમિત રીતે ફોન કૉલ્સ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આરોપીની ગર્લફ્રેન્ડના સંપર્કમાં રહેતો હતો. એક વાર આરોપીએ તેની ગર્લફ્રેન્ડ દગાબાજ હોવાથી સંપર્ક તોડી નાખવાની સૂચના સગીરને આપી હતી.

કહેવાય છે કે થોડા દિવસ પછી આરોપીએ સગીરને ડરાવવાનું શરૂ કર્યું હતું. ગર્લફ્રેન્ડે સગીર વિરુદ્ધ જાતીય શોષણની પોલીસ ફરિયાદ નોંધાવી છે, એવું જુઠ્ઠાણું આરોપીએ ચલાવ્યું હતું. મામલાની પતાવટ માટે આરોપી સગીરને બાજારપેઠ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો.

પોલીસ સ્ટેશન બહાર સગીરને ઊભો રાખી આરોપી પોલીસ સ્ટેશનમાં ચક્કર મારી આવ્યો હતો. પોલીસને રૂપિયા આપવા પડશે, એવું કહીને ઘરમાંથી દાગીના લઈ આવવાની સલાહ સગીરને આપવામાં આવી હતી.

પછીથી મામલો કોર્ટમાં ગયો હોવાથી તેની પતાવટ માટે દાગીના લાવવાનું કહ્યું હતું. ધીરે ધીરે લગભગ 23 તોલા સોનાના દાગીના આરોપીએ પડાવ્યા હતા.

તાજેતરમાં સગીરની માતા કબાટમાંની તિજોરીમાંથી દાગીના કાઢવા ગઈ ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરના પિતાની ફરિયાદને આધારે બાજારપેઠ પોલીસે જિમ ટ્રેઈનર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો…થાણેમાં જિમ ટ્રેઇનર પાસેથી પ્રતિબંધિત કેમિકલ ઇન્જેકશનનો જથ્થો જપ્ત કરાયો…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button